માત્ર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં નીટ પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ
વડોદરાઃ તા.૪ મે, રવિવારે દેશમાં નીટ( નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવાશે ત્યારે તંત્ર ગત વર્ષે થયેલી પેપર લીકની ઘટનાઓને રોકવા માટે વિશેષ તકેદારી લઈ રહ્યું છે.
વડોદરા શહેરના ૧૭ કેન્દ્રો પર ૬૨૩૩ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.ગત વર્ષે ગોધરાની જય જલારામ નામની ખાનગી સ્કૂલમાં નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનું કૌભાંડ ઝડપાયું હતું અને તેના પગલે આ વખતે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ નીટ પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પરીક્ષાની તમામ કાર્યવાહી સીસીટીવી કેમેરાની નજર હેઠળ થશે.ઉપરાંત સતત વિડિયો ગ્રાફી પણ કરવામાં આવશે.
વડોદરા ડીઈઓ કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે પરીક્ષામાં કલેકટર કચેરીના અધિકારીઓ નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવશે.ઉપરાંત દર પાંચ કેન્દ્રો વચ્ચે વધુ એક ઉચ્ચ કક્ષાના અધિકારી દેખરેખ રાખશે.પરીક્ષાના પેપરો મોકલવાનું કામ પણ ખાનગી એજન્સીની જગ્યાએ પોસ્ટ વિભાગને આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કડક ચેકિંગ બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોની અંદર પ્રવેશ અપાશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૪ના રોજ પરીક્ષાના સમય દરમિયાન વીજ પુરવઠો ના ખોરવાય તેનું ધ્યાન રાખવા માટે પણ મધ્ય ગુજરાત વીજ કંપનીને સૂચના અપાઈ છે.