Gujarat

સોનારડા પાસે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર સાઈટ સુપરવાઇઝરનું મોત

By GS TEAM
25 Dec 20252 mins read
સોનારડા પાસે ટ્રેક્ટરની અડફેટે બાઈક સવાર સાઈટ સુપરવાઇઝરનું મોત

ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર

ટ્રેક્ટર ચાલાકે અચાનક જ વળાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો ઃ ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા દહેગામ નરોડા હાઇવે ઉપર સોનારડા ગામના પાટીયા પાસે પૂર ઝડપે જતા ટ્રેકટર ચાલકે અચાનક જ વળાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો અને તેના કારણે બાઇક સવાર સાઈટ સુપરવાઇઝર યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ લઈ જવાયો હતો પરંતુ તેનું મોત થયું હતું. આ અંગે ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને છેલ્લા પખવાડિયા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતમાં મૃત્યુ આંક પણ જોવા મળી રહ્યો છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રહેતા બેંજામિન રમેશભાઈ ડોડીયા વડોદરા ગામ ખાતે નવી બનતી સાઈટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા અને ગત મંગળવારના રોજ તે તેમનું બાઈક લઈને નોકરી ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન સોનારડા ગામની સીમમાં વાઘજીપુરા પાટિયા પાસેના કટ પર સામેથી આવતા ટ્રેક્ટરના ચાલકે અચાનક વળાંક લીધો હતો. ટ્રેક્ટર ચાલકે આગળ જોયા વગર ટ્રેક્ટર વાળી દેતા બેંજામિનભાઈના બાઈક સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ઈજાગ્રસ્ત બેંજામિનભાઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા મૃતકના નાના ભાઈ સેમ્યુલભાઈ ડોડીયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.