Get The App

બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના 1 - image

- તપાસનો રોજેરોજનો રિપોર્ટ રેન્જ આઈજીને સોંપવામાં આવશે

- તપાસમાં ભાવનગર પોલીસની ભૂમિકા પર ઉભા થયેલા સવાલો બાદ એસઆઈટીમાં ભાવનગરના અધિકારીઓને પડતા મુકાયા

ભાવનગર : બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં રાજનીતિ તેજ થઈ છે. ફરિયાદીના કહેવા મુજબ પોલીસે ફરિયાદ નહી લખી હોવાના અને આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ તપાસ બગદાણા પીઆઈની બદલી કરી, તપાસ મહુવા ટાઉન પીઆઈને સોંપવામાં આવી હતી. જે બાદ હવે આ મામલાની તપાસ માટે રેન્જ આઈજી દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી અને બોટાદના પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. રેન્જ આઈજીની સીધી દેખરેખ હેઠળ ધારી એએસપીની અધ્યક્ષતામાં એસઆઈટી આ કેસની તપાસ કરશે.

બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં રાજનીતિ તેજ થઈ છે. હાઈપ્રોફાઈલ બની ચુકેલા આ કેસના પ્રારંભમાં ફરિયાદીના કહેવા પ્રમાણે ફરિયાદ નહી નોંધવામાં આવી હોવાના અને આરોપીઓને છાવરવાના આક્ષેપો બાદ કેસની તપાસ કરી રહેલા બગદાણા પીઆઈને જિલ્લા પોલીસવડાએ વહીવટી કારણ ધરી તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મુકી આ કેસની તપાસ મહુવા પીઆઈને સોંપવામાં આવી હતી. જે બાદ આ કેસમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી આઠેય આરોપીને ઝડપી પાડી રિમાન્ડ બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા. જે બાદ આ કેસમાં ભાવનગર પોલીસ પર ગંભીર આક્ષેપો થતાં હવે આ મામલે ભાવનગર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. ધારી એએસપીની અધ્યક્ષતામાં કુલ પાંચ સભ્યોની બનેલી એસઆઈટીએ રેન્જ આઈજીના સુપરવિઝન હેઠળ આ કેસની ઝીણવટ ભરી તપાસ કરી રોેજેરોજનો રિપોર્ટ રેન્જ આઈજીને સોંપવાનો રહેશે. મહત્વની વાત એ છે કે, સમગ્ર કેસની તપાસમાં ભાવનગર પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉભા થયા હતા અને તેના કારણે એસઆઈટીમાં ભાવનગરના અધિકારીઓને પડતા મુકી અમરેલી અને બોટાદના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં નવા નામો ખુલવાની પ્રબળ સંભાવના નકારી શકાતી નથી.

અધિકારી

હોદ્દો

જયવીર ગઢવી

એએસપી, ધારી

એમ.જી.જાડેજા

પીઆઈ, બોટાદ-એસઓજી

પી.જે.વાળા

પીઆઈ, રેન્જ આઈજી કચેરી

એલ.પી.ચુડાસમા

હેડ કોન્સ્ટેબલ, એલસીબી, બોટાદ

બી.એસ.ખાંભલા

હેડ કોન્સ્ટેબલ, એલસીબી, બોટાદ