આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના
- બાળકી પર દુષ્કર્મ ગુજારી નદીમાં ફેંકી દીધી હતી
- આંકલાવના પીએસઆઈ સહિત પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા સાથે વીડિયો વાયરલ થયા હતા
આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં બનેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જેમાં ન્યાયિક તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
એક ડીવાયએસપી અને એક પીઆઇ સહિત વધારાના અધિકારીઓને તપાસમાં જોડી એસઆઈટી દ્વારા સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આંકલાવના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી તેની ક્રૂરતા પૂર્વક હત્યા મામલે આંકલાવ પોલીસે આરોપી અજય પઢિયારની ધરપકડ કર્યા બાદ આંકલાવના પીએસઆઇ એમ.આર. વાળાના કેટલાક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં પીએસઆઇ વિરોધ કરવા આવેલા ગ્રામજનો ઉપર રોફ જમાવતા હોવાનું જોવા મળ્યું હતું. સાથે સાથે લોકઅપમાંથી સ્વસ્થ રીતે ચાલીને બહાર આવતા આરોપી અજય પઢીયાર પીએસઆઇ દ્વારા કાનમાં કંઈક કહેતાની સાથે જ લંગડાતો ચાલવા લાગતા સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરી સામે શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.