સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર
- 'મમ્મી-પપ્પા આઈ લવ યુ, હું તમારી સાથે જ છું'
- આંચકીની એકીસાથે ૯૦થી ૧૦૦ ટીકડીઓ ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો
મેડિકલ કોલેજમાં એમએસ એપ્થેમોલોજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને સર ટી.હોસ્પિટલના એપ્થેમોલોજી (આંખ) વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ.જયેશકુમાર ગણેશભાઈ મહાજન (ઉ.વ.૨૬, હાલ રહે. મેડિકલ કોલેજ,ભાવનગર, મુળ રહે.જલગાંવ, મહારાષ્ટ્ર)એ આજે સવારે ૧૦ કલાક પહેલાના કોઈ પણ સમયે પાલિતાણાની સીટી પોઈન્ટ હોટલના રૂમમાં એક સાથે ૯૦ થી ૧૦૦ જેટલી આંચકીની ટીકડીઓ ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા પ્રથમ તેને પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. યુવક પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જેમાં મરાઠી ભાષામાં 'મમ્મી પપ્પા આઈ લવ યુ, તમે મને ભણવામાં મદદ કરી છે, હું તમારી સાથે જ છું.' તેમ લખ્યું હતું. બીજી તરફ યુવકે અન્ય તબીબ સાથે માથાકૂટના લીધે આ પગલું ભર્યું હોવાનું ચર્ચા વચ્ચે તબીબ વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં આવશે તે બાદ સાચુ કારણ જાણવા મળશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ તબીબના માતા-પિતા મહારાષ્ટ્રથી ભાવનગર આવી રહ્યાં છે.