Get The App

SIRને કારણે વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠી, સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે!

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
SIRને કારણે વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠી, સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે! 1 - image

SIR Drive: ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) લીધે મતદારોમાં અફરાતફરીનો માહોલ છે. જો કે, આ વખતે ફોર્મ નહીં ભરે તો મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જશે. આ જોતાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને SIRની કાતર ફરી વળશે તેવી ચિંતા પેઠી છે. જો સમર્થક મતદારોની સંખ્યા ઘટી જાય તો વર્તમાન ધારાસભ્ય કે સાંસદને હવે પછીની ચૂંટણીમાં હાર ભાળ પડે તેવી દશા થઈ છે. આ કારણોસર ભાજપના ધારાસભ્યો મતદાન બુથો પર દોડ્યા છે. એટલું જ નહીં, મતદારોના ફોર્મ ભરાવવા માટે સ્થાનિક નેતા-સક્રિય કાર્યકરોને ચૂંટણીલક્ષી કામે લગાડાયા છે.

યુનિટી માર્ચ કોરાણે મૂકી 13 મંત્રી, ધારાસભ્યો મતદાન બુથો પર દોડ્યા

છેલ્લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં મતદાર યાદીની સાફસફાઈ શરુ થઈ છે. અત્યાર સુધી તો ભાજપના ધારાસભ્ય-કાર્યકરો યુનિટી માર્ચમાં વ્યસ્ત હતા. જ્યારે વિપક્ષ કોંગ્રેસ આક્રોશ રેલીમાં ઓળઘોળ છે પરિણામે સ્થિતિ એવી સર્જાઈ કે, મતદારો જાણે રેઢા મૂકાયા હતા. હવે જ્યારે અફરાતફરીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. 

મતદારો ફોર્મ ભરવાને લઈને આમથી તેમ ભટકી રહ્યા છે. લોકો ધારાસભ્યથી માંડીને કોર્પોરેટર પર રોષ ઠાલવી રહ્યા છે. આ સંજોગોમાં હવે ચોથી ડિસેમ્બર સુધી જ મતદારો ફોર્મ ભરી શકશે. જ્યારે નવમી ડિસેમ્બરે ડ્રાફુટ મતદાર યાદી જાહેર થશે. આ જોતાં હજુ સુધી હજારો મતદારો ફોર્મ ભરી શક્યા નથી. ક્યાંક વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ નથી. ક્યાંક પુરતા પુરાવા નથી. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 6 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બધી વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર થશે જેની અસર આગામી ચૂંટણીઓ પર વર્તાઈ શકે છે. આ કારણોસર યુનિટી માર્ચ કોરાણે મૂકી ભાજપ પ્રદેશ પ્રમુખથી માંડીને કેબિનેટ-રાજ્યકક્ષાના કુલ 13 મંત્રીઓ મતવિસ્તારોમાં મતદાન બુથો પર દોડ્યા હતા. જ્યાં SIRની પ્રક્રિયા નિહાળી મતદારો ફોર્મ ભર્યા વિના ન રહી જાય તેની કાળજી દાખવી હતી. સમર્થક મતદારો ફોર્મ ભર્યા વિના રહી ન જાય તે માટે ધારાસભ્યો-સાંસદોએ તો સ્થાનિક નેતા-સક્રિય કાર્યકરોને કામે લગાવ્યા છે. એટલું જ નહીં, SIRની કાતર ફરી વળશે તેવી બીકથી મત વિસ્તારોમાં ઠેર ઠેર મંડપ લગાવાયા છે જ્યાં હેલ્પ ડેક્સ શરુ કરીને મતદારોને ભરવાનું શરુ કરાય છે.

આ પણ વાંચો: SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું

32,827 મતદારોએ સ્વૈચ્છાએ નામ રદ કરાવ્યા

હવે મતદારનું બે સ્થળે નામ હશે તો એક વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે. તેમ છતાંય મતદારોમાં જાગૃતતાનો ભારોભાર અભાવ પ્રવર્તી રહ્યો છે. ચૂંટણીપંચે પણ આ દિશામાં મતદારોને પૂરતી સમજ આપી નથી, પરિણામે અત્યાર સુધી આખાય ગુજરાતમાંથી માત્ર 32,827 મતદારો સામે ચાલીને મતદાર યાદીમાંથી નામ રદ કરાવી દીધા છે. મતદારોને હજુ આ મામલે જરાય ગંભીર નથી.

રોજ 50 મતદારોના ફોર્મ ભરવા ફરજિયાત 

મતદાર યાદી સુધારણાને લઈને સમગ્ર ગુજરાતમાં કવાયત આરંભાઈ છે,  ત્યારે બીએલઓ ચૂંટણીલક્ષી કામગીરીને લઈને માનસિક તાણ અનુભવી રહ્યા છે. જેમકે, દરેક બીએલઓને રોજ 50થી વધુ મતદારના ફોર્મ ભરવા ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત ઘેર ઘેર જઈને મતદારોને શોધવાના, ઓનલાઇન એન્ટ્રી કરવા દબાણ કરાઈ રહ્યુ છે. એટલું જ નહીં, કલેક્ટર કચેરી, ચૂંટણીપંચ દ્વારા દર કલાકે કેટલાં ફોર્મ ભર્યાં, કેટલાં ફોર્મ અપલોડ કર્યાં તેનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. આ બધી પરિસ્થિતિને લીધે બીએલઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પાંચેક દિવસમાં પાંચ બીએલઓના મૃત્યુ થયા છે. જ્યારે ચારથી વધુ બીએલઓની તબિયત લથડી છે.