એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે

ગાંધીનગરની મતદાર યાદી ફ્રીઝ, હાલ સુધારા-વધારા નહીં થાય
ચકાસણી માટે બારકોડેડ ફોર્મ છપાશે ઃ જિલ્લાના ૧,૩૩૩ બુથ લેવલ ઓફિસરને તાલિમ ઃ ૨૦૦૨ની યાદી આધારે હાઉસ ટુ હાઉસ મુલ્યાંકન
ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને નાયબ ચૂંટણી
અધિકારીની ટીમ દ્વારા પાંચેય વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી
અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી જેમાં આ એસઆઇઆરની
ઝુંબેશ અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કરવાની સાથે નજીકના દિવસોમાં જ
બીએલઓની ટ્રેનીંગ સિડયુલ ગોઠવી દેવા માટે સુચના પણ આપવામાં આવી હતી. મંગળવારથી જ
બૂથ લેવલ ઓફિસર્સની તાલિમ અને ફોર્મની છપામણી જેવી કામગીરી અંગે આયોજન કરવામાં
આવ્યું છે. લોકસભા ચૂંટણી વખતના ૧,૩૩૩
બૂથને આધારે એટલા જ બીએલઓની નિમણૂક કરવામાં આવી છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં
બીએલઓને ઘરે ઘરે જઈને મતદારોની વિગતો ચકાસવા માટે વિશેષ તાલિમ આપવામાં આવશે. ૩
નવેમ્બર સુધી તાલિમ અને સાહિત્યના પ્રિન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે, જેના પછી હાઉસ ટુ
હાઉસ વાસ્તવિક ચકાસણી આરંભાશે. આ તૈયારીઓથી જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે
એસઆઇઆરમાં વ્યસ્ત બન્યું છે. બીએલઓને હાલની મતદાર યાદીમાં સમાવિષ્ટ નામ અને ફોટા
સાથેના છાપેલા ફોર્મ આપવામાં આવશે,
જેમાં વિગતો ભરવાની રહેશે. આ પગલું ચૂંટણી પ્રક્રિયાની પારદશતા વધારવામાં
મદદરૃપ થશે.
આગામી તા.૪ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી બીએલઓ પોતાના ફાળવેલા
બૂથમાં ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરશે. આ દરમિયાન ૨૦૦૨માં થયેલી ચકાસણીની
વિગતોને આધારે કાર્યવાહી કરવામાં આવશે. જે મતદારોનું નામ ૨૦૦૨ની યાદીમાં નહીં હોય, તેમણે નિયત કરેલા
૧૨ પુરાવાઓમાંથી કોઈ એક રજૂ કરવાનો રહેશે. આ પ્રક્રિયા મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ
અથવા અમાન્ય નામો દૂર કરવામાં અસરકારક સાબિત થશે. ચૂંટણી તંત્રના આ પગલાથી આગામી
ચૂંટણીઓમાં મતદારોની સંખ્યા વધુ વિશ્વસનીય બનશે અને લોકશાહીને મજબૂતી મળશે. સમગ્ર
પ્રક્રિયા પૂર્ણ થયા પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેમાં જરૃરી
ફેરફારો કરીને અંતિમ યાદી તૈયાર થશે.
ગાંધીનગર દક્ષિણમાં સૌથી વધુ ૪.૦૭ લાખ દહેગામમાં સૌથી ઓછા
૨.૨૯ લાખ મતદારો
એસઆઇઆર ઝુંબેશ આજથી ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોમાં શરૃ થઇ
ગઇ છે તે પહેલા ગઇકાલે જ આ તમામ રાજ્યોની મતદાર યાદી ફ્રીઝ કરી દેવામાં આવી છે. જે
અંતર્ગત ગાંધીનગર જિલ્લાની યાદી પણ ફ્રીઝ થઇ ગઇ છે ત્યારે ગઇકાલે ફ્રીઝ થઇ ગેયેલી
મતદાર યાદી પ્રમાણે, ગાંધીનગર
જિલ્લાની દહેગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછા ૨.૨૯ લાખ મતદારો નોંધાયા છે. જ્યારે
ગાંધીનગર દક્ષિણ બેઠકમાં સૌથી વધુ ૪.૦૭ લાખ મતદારો મતદાર યાદીમાં છે. આ ઉપરાંત
ગાંધીનગર ઉત્તરમાં ૨.૫૫ લાખ મતદારો,
માણસામાં ૨.૪૧ લાખ જ્યારે કલોલમાં ૨.૫૪ લાખ મતદારો હાલની એટલે કે, છેલ્લી સ્થિતિએ
છે.

