Gujarat

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન

By GS TEAM
19 Jun 20263 mins read
TukuTouch Logo
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં હવે ઓછામાં ઓછું 120 માઇક્રોન પ્લાસ્ટિકને જ કાયદેસર ગણવામાં આવ્યું છે. પરંતુ, શહેરમાં આજે પણ 10 માઇક્રોનથી માંડીને 30 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓનું ગેરકાયદે ઉત્પાદન બેરોકટોક રીતે કરવામાં આવી રહ્યું છે. જેમાં બાપુનગર, ઓઢવ અને રખિયાલ સહિતના વિસ્તારમાં મોટાપ્રમાણમાં ગેરકાયદે કારખાના ધમધમે છે. સૌથી નવાઇની વાત એ છે કે આ વિસ્તારમાં તૈયાર કરવાંમાં આવતી 10 થી 30 માઇક્રોનની થેલીઓ અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં મોટાપ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્લાસ્ટિક બેગમાં 120  માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન

Ahmedabad Plastic Bag News : સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં હવે ઓછામાં ઓછું 120 માઇક્રોન પ્લાસ્ટિકને જ કાયદેસર ગણવામાં આવ્યું છે.  પરંતુ, શહેરમાં આજે પણ 10 માઇક્રોનથી માંડીને 30 માઇક્રોનની પ્લાસ્ટિકની થેલીઓનું ગેરકાયદે ઉત્પાદન બેરોકટોક રીતે કરવામાં આવી રહ્યું છે. જેમાં બાપુનગર, ઓઢવ અને રખિયાલ સહિતના વિસ્તારમાં મોટાપ્રમાણમાં ગેરકાયદે કારખાના ધમધમે છે. સૌથી નવાઈની વાત એ છે કે આ વિસ્તારમાં તૈયાર કરવામાં આવતી 10થી 30 માઇક્રોનની થેલીઓ અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં મોટાપ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 

સામાન્ય રીતે નિયમ હોય છે કે નિયમ કરતાં ઓછા માઇક્રોનની થેલીનો ઉપયોગ જે દુકાન કે સ્ટોલ પર થતો હોય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરીને ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની થેલી જપ્ત કરીને દંડ કરવાની સાથે અન્ય આ પ્લાસ્ટિકની થેલીનું ઉત્પાદન કરતા યુનિટને પણ સીલ કરવાનું રહે છે. પરંતુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પ્લાસ્ટિકની થેલી જપ્ત કરવાને બદલે શાકભાજી કે નાના વેપાર કરતાં લોકો પાસે હપ્તા વસૂલે છે અને પ્લાસ્ટિકની થેલીનું ઉત્પાદન કરતાં યુનિટના સંચાલકો સાથે સેટિંગ કરીને કાર્યવાહી કરવામાં આવતી નથી. 

આ કૌભાંડમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે જીપીસીબી દ્વારા થોડા મહિનાઓ પહેલા બાપુનગરમાં આવેલા તિરૂપતિ એસ્ટેટમાં એક કારખાનામાં દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, બાપુનગરમાં આવેલા અન્ય યુનિટમાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો અનુસાર:

• હાલમાં ભારતમાં 120 માઇક્રોન (120 microns) કે તેથી વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ જ કાયદેસર (Legal) છે.

• 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી તમામ પ્રકારની કેરી બેગ (Carry bags) પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

નોંધ: સરકાર દ્વારા તબક્કાવાર આ નિયમ કડક કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2021માં તેને 50 માઇક્રોનથી વધારીને 75 માઇક્રોન કરવામાં આવી હતી, અને 31 ડિસેમ્બર 2022થી તેને વધારીને 120 માઇક્રોન કરી દેવામાં આવી છે, જે હાલમાં પણ લાગુ છે.

પ્લાસ્ટિકની થેલી સામાન્ય રીતે કેટલા માઇક્રોનની બનતી હોય છે?

પ્લાસ્ટિકની થેલીઓ તેના વપરાશ અને પ્રકારના આધારે અલગ-અલગ માઇક્રોનમાં બનાવવામાં આવે છે:

1. ખૂબ પાતળી પ્લાસ્ટિક થેલીઓ (10થી 30 માઇક્રોન): આ સામાન્ય રીતે શાકભાજી માર્કેટ, કરિયાણાની દુકાનો કે કચરો નાખવાની થેલીઓ(Garbage bags)માં જોવા મળતી હતી. તે ખૂબ જ સસ્તી હોય છે અને સહેલાઈથી ફાટી જાય છે. (હાલમાં આ સંપૂર્ણ ગેરકાયદે છે).

2. મધ્યમ જાડાઈની થેલીઓ (50થી 75 માઇક્રોન): અગાઉના સમયમાં બ્રાન્ડેડ શોરૂમ કે કપડાની દુકાનોમાં આ પ્રકારની થેલીઓ અપાતી હતી, જે થોડી મજબૂત લાગતી હતી. (આના પર પણ હવે પ્રતિબંધ છે).

3. હાલની કાયદેસર થેલીઓ (120 માઇક્રોન કે તેથી વધુ): વર્તમાન નિયમ મુજબ બજારમાં જે પ્લાસ્ટિક કેરી બેગ બને છે તે 120 માઇક્રોનની કે તેનાથી વધુ જાડી હોય છે. આ થેલીઓ કાપડ જેવી મજબૂત લાગે છે અને તેને ધોઈને વારંવાર વાપરી શકાય છે.

4. પેકેજિંગ પ્લાસ્ટિક (અલગ નિયમો):  વેફર્સ, બિસ્કિટ, દૂધની કોથળી કે લોટના પેકિંગ માટે વપરાતું પ્લાસ્ટિક (જેને ફ્લેક્સિબલ પેકેજિંગ કહેવાય છે) તેની જાડાઈ પ્રોડક્ટના આધારે અલગ હોય છે, પરંતુ તેના રિસાયકલિંગ માટે 'એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી'(EPR)ના અલગ નિયમો લાગુ પડે છે.

શા માટે 120 માઇક્રોનનો નિયમ આવ્યો? પ્લાસ્ટિક જેટલું પાતળું હોય, તેટલું તેને વીણવું અને રિસાયકલ કરવું અઘરું બને છે, જેથી તે કચરામાં જ પડી રહે છે. 120 માઇક્રોન કે તેથી વધુ જાડું પ્લાસ્ટિક કિંમતી હોય છે, તે સરળતાથી રિસાયકલ થઈ શકે છે અને લોકો તેને ફેંકી દેવાને બદલે વારંવાર વાપરે છે.