Get The App

છેક UPSC પરીક્ષામાં'ય સિંધી ભાષા માન્ય, પણ જૂજ સિંધી શાળાઓ બચી

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
છેક UPSC પરીક્ષામાં'ય સિંધી ભાષા માન્ય, પણ જૂજ સિંધી શાળાઓ બચી 1 - image


આજે સિંધી ભાષા દિવસઃ બંધારણમાં 15મી ભાષા છે : નોકરીમાં ક્યાંય કામ આવતી ન હોવાથી રાજકોટની સિંધી શાળા બંધ, જૂનાગઢમાં પણ સિંધી સમુદાય વિશાળ છતાં સિંધી શાળા નહીં

રાજકોટ, :  તા. 10મી એપ્રિલે  સિંધી ભાષા દિવસ છે, પણ કમનસીબી એ છે કે સિંધી માધ્યમની સ્કૂલો મૃતપ્રાય બની ગઈ છે. હવે રાજ્યમાં જવલ્લે ૨૫-૩૦  શાળાનું અસ્તિત્વ છે. રાજકોટ મહાનગરમાં મોટો સિંધી સમુદાય વસે છે પણ અહી એક પણ સરકારી શાળા બચી નથી.

10 એપ્રિલ 1967ના દિવસે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણજીએ ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સિંધી ભાષાનો સમાવેશ કરવાના બિલમાં હસ્તાક્ષર કર્યા હતા. આથી આ દિવસને સિંધી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે બંધારણમાં ૧૪ ભાષાઓ સમાવિષ્ટ હતી. તા.૭મી એપ્રિલ ૧૯૬૭માં લોકસભામાં સિંધી ભાષા બિલ પસાર થયા પછી તા.તા.૧૦મીએ રાષ્ટ્રપતિએ ખરડામાં સહી કરીને કાનૂની સ્વરૂપ આપ્યું હતુ. એ દિવસ ચેટીચાંડનો હતો અને આ દિવસે સિંધી ભાષાને ૧૫મી ભાષા તરીકે સામેલ કરવામાં આવી હતી. હાલ દેશની સનદી પરીક્ષાઓમાં સિંધી ભાષાના વિષયને માન્ય રખાયોછે. કેટલાક ઉમેદવારો આ વિષયને મહત્વ આપી સિંધી ભાષામાં પેપર લખે છે.  ગુજરાતમાં સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલોમાં બોર્ડની પરીક્ષામાં સિંધી ભાષાના વિષયને વૈકલ્પિક વિષય તરીકે માન્યતા હોવાથી સિંધી ભાષાના વિદ્યાર્થીઓએ સિંધી ભાષામાં પેપરો લખ્યા છે. વેરાવળમાં વસતા સિંધી સમુદાયના આગેવાન દીલીપભાઈ ડોડેચા કહે છે કે ભાવનગર અને ગોધરામાં હાઈસ્કૂલમાં સિંધી ભાષાનો વિષય ભણાવવામાં આવે છે. અમદાવાદ, નરોડા, કુબેરનગરમાં સિંધી શાળાઓ ચાલે છે. વેરાવળમાં એક સ્થળે સરકારની મદદથી ખાનગી સ્કૂલ ચાલે છે. 

એક જમાને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સિંધી માધ્યમની સ્કૂલો નિર્માણ પામી હતી, જે કાળક્રમે વિલુપ્ત થતી ગઈ છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ-ધોરાજી, જામનગર, વેરાવળ, બાટવા, માણાવદર, જૂનાગઢ સહિતના અનેક તાલુકા મથકોમાં સિંધી સમુદાય વસે છે પણ ત્યાં શાળાઓ અસ્તિત્વમાં નથી.  રાજકોટ- જૂનાગઢ જિલ્લામાં સિંધી ભાઈઓની ખાસ્સી એવી વસતી છે.  ઘરમાં બોલચાલ અને અરસપરસ સિંધી ભાષાનો ઉપયોગ કરે છે. ભાષા લુપ્ત ન થઈ જાય એ માટે બાળકોને પણ સંભળાવી જીવતી રાખે છે પણ બાળકોને મોટા ભાગે અન્ય માધ્યમોની સ્કૂલોમાં ભણાવે છે. આ ભાષાને જીવંત રાખવા રેડિયો પર સિંધી ભાષાના કાર્યક્રમો પણ આવે છે. સિંધી ભાષાના અનેક સાહિત્યકારોએ ભાષાને ગૌરવ આપવા તેમજ જીવાડવા ખાસ્સા પ્રયાસો કર્યા છે. અન્ય રાજયોમાં કેટલાક યુપીએસસીની પરીક્ષા તૈયાર કરનારા યુવાનો સિંધી માધ્યમમાં પરીક્ષા પણ આપે છે.  ભવિષ્યમાં સિંધી યુનિવર્સિટીનું નિર્માણ કરવા સરકાર વિચારી રહી છે.   

સિંધી પાઠય પુસ્તકો તૈયાર કરવાનું કામ પણ બંધ થયું છેઃ પૂર્વ પ્રિન્સિપાલ લૌંગાણી

સિંધી ભાષાનાં પાઠયપુસ્તકો તૈયાર કરનારા અને એક સમયે પાઠયપુસ્તક મંડળમાં 32 વર્ષ ફરજ બજાવી ચૂકેલા રાજકોટના સિંધી હાઈસ્કૂલના માજી પ્રિન્સિપાલ કુંદનલાલ લૌંગાણી કહે છે કે 'હવે બધા ઈંગ્લિશ મીડિયમ તરફ વળ્યા હોવાથી સંખ્યાના અભાવે સિંધી શાળાઓને તાળાં લાગી ગયા છે. રાજકોટ જેવા સિંધી સમુદાયના મહાનગરમાં હવે એક પણ સિંધી શાળા નથી.  હવે પછીની ત્રીજી જનરેશન કદાચ સાવ ઓછી જ સિંધી ભાષા જાણતી હશે. આમ છતાં અમે સિંધી ભાષાના બચાવ માટે કેમ્પેઈન ચલાવીએ છીએ. નાના નાના સમૂહોમાં સિંધી ભાષાનાં વૈવિધ્યની બાબતોથી મોટિવેટ કરવા પ્રયાસો કરીએ છીએ. અમે બાળકોને સમજાવીએ છીએ કે સિંધી ભાષા ઉપયોગી ભાષા છે. આની સામે બાળકો કહે છે કે એ ખરૂ પણ નોકરીમાં ક્યાંય કામ નથી આવતી.' 

Tags :