Get The App

ચાંદીના કારખાનેદાર સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 55 લાખની છેતરપિંડી

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના કારખાનેદાર સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 55 લાખની છેતરપિંડી 1 - image

કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ : વિશ્વાસ કેળવી લીધા બાદ ચાંદીના દાગીના અને રોકડ લઇ પરત ના  આપી

રાજકોટ, : 150 ફૂટ રીંગ રોડ પર ઋષિકેશ એક્ઝોટિકામાં રહેતા અને નવાગામ આણંદપર ખાતે સાગર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં  બી.ડી.ગજેરા નામે ચાંદીનું કારખાનું ધરાવતા ભરતભાઇ દિનેશભાઇ ગજેરા (ઉ.વ. 45) સાથે આરોપી સંજય બારોટે (રહે.  મેહુલનગર શેરી નં. 10-B, સોરઠીયા વાડી સર્કલ)એ રૂા. 55.47 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ  મથકમાં નોંધાઇ છે.

ફરિયાદમાં ભરતભાઇએ જણાવ્યું છે કે આઠેક માસ પહેલા ચાંદી કામના કારીગરોની જરૂર હોવાથી તેને ત્યાં કામ કરતા  કારીગર નિરજ નેપાળીનાં પરિચિત સંજય સાથે વાત કરી હતી. તે વખતે તેનો લેબર કોન્ટ્રાક્ટ ચાલુ હતો. વાત-ચીત થયા  બાદ તેના કારખાનામાં લેબર પુરા પાડવાનું કામ સંભાળી લીધુ હતું. નક્કી થયા મુજબ સંજય ચાંદીના દાગીના બનાવડાવી  તેના ફાઇલીંગ અને બફ કામ કરાવી તૈયાર દાગીના જમા કરાવતો હતો. જે દાગીનાને પેક કરી ભારતભરમાં વેચાણ કરતા  હતા.  ગયા વર્ષે જુન મહિનામાં 10 કિલો ચાંદીનો કાચો માલ સંજયને આપ્યો હતો. જેમાં કામ કરાવી પરત આપ્યો હતો. આ રીતે  તેની ઉપર વિશ્વાસ આવી જતા થોડા ટાઇમ બાદ કટકે-કટકે 34 કિલો ચાંદીના દાગીના આપ્યા હતા. જે વેચીને બે-ચાર  દિવસમાં પેમેન્ટ કરી આપશે તેમ કહ્યું હતું. ત્યારબાદ કટકે-કટકે તેને ચાંદીના દાગીના અને રૂા. 16.20 લાખ રોકડા આપ્યા હતા. તેને કુલ રૂા. 55.46 લાખ લેવાના હતા.  આમ છતાં સંજયે વધુ દાગીના માંગતા તેને જુનું પેમેન્ટ કરવાનું કહ્યું હતું. પરંતુ સરખો જવાબ આપ્યો ન હતો. આ રીતે  રોકડા અને ચાંદીના દાગીના મળી કુલ રૂા. 55.46 લાખ નહીં આપતા આખરે તેના વિરૂદ્ધ અરજી કરી હતી. જેના આધારે  પોલીસે ગુનો દાખલ કર્યો હતો.