ચાંદીના ભાવ રૂ. 3 લાખે પહોંચતાં કહીં ખુશી કહીં ગમ લોન કે ઉછીના લઈને ચાંદીમાં નાણાં રોકનારા પણ ટૂંકા ગાળામાં ખાટી ગયા, તો સંખ્યાબંધ વેપારીઓ- કારીગરો બેકારીની ગર્તામાં
રાજકોટ, : ચાંદીનો ભાવ રૂ. 3 લાખ સુધી પહોંચી જતાં ચાંદીનાં હબ ગણાતાં રાજકોટમાં કરોડો-અબજો રૂપિયાની ઉથલ-પાથલ સર્જાઈ છે. એક તરફ જ્યાં આ વ્યવસાય સાંથે સંકળાયેલા અનેકના ધંધા બંધ થઈ ગયા છે અને સંખ્યાબંધ કામદારોની રોજી પણ છીનવાઈ ગઈ છે ત્યાં જ બીજી બાજુ મોકો જોઈને રોકાણ કરનારા નાના- મોટા સેંકડો ઈન્વેસ્ટરોને ધૂમ કમાણી થઈ છે અને તોય, વેચાણ કરીને નીકળી ગયેલા ઘણાં રોકાણકારોને તો હજુ પણ વધતા ભાવને લઈને 'નફામાં નુકસાન ગયું' એવો અફસોસ પણ થઈ રહ્યો છે!
ચાંદીમાં ભાવ વધારાથી ઈન્વેસ્ટરોને ચાંદી થઈ ગઈ છે. મધ્યમ વર્ગના સંખ્યાબંધ લોકોએ જાણકારોની ટીપ્સ પરથી જોખમ લઈને પર્સનલ લોન યા હોમ લોન પર ટોપ- અપ અથવા ક્યાંકથી હાથઉછીના મેળવીને પણ ચાંદીમાં નાણાં રોક્યા હતા. મોટાભાગના ઈન્વેસ્ટરો કમાયા છે. ઘણાં ઈન્વેસ્ટરોએ રૂ. 1.20 લાખ કે રૂ. 1.30 લાખમાં ચાંદી ખરીદી હતી. ભાવ રૂ.2 લાખ સુધી પહોંચી જતાં ઘણા ઈન્વેસ્ટરો નફો કમાઈ નીકળી ગયા હતા. તે વખતે આ તેમને કલ્પના ન હતી કે ભાવ રૂ. 3 લાખ આસપાસ પહોંચી જશે. હવે આવા ઈન્વેસ્ટરો પણ નફો કમાયા છતાં પસ્તાઈ રહ્યા છે. જોકે ચાંદીનાં ભાવમાં તોતિંગ વધારાથી રાજકોટમાં ધંધો ઠપ્પ થઈ ગયો છે. વેપારીઓએ કરોડો- અબજો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજકોટ, અમદાવાદના વેપારીઓ પાસેથી ઈન્દોર, મુંબઈના બૂકીઓ જ અધધધ.. 3600 કરોડ કમાયા!
ઈન્દોર અને મુંબઈના બુકીઓ જ રાજકોટ અને અમદાવાદના વેપારીઓ પાસેથી રૂ.૩૬૦૦ કરોડથી વધુ કમાયાની ધારણા છે. જે આંકડાથી સ્પષ્ટ છે કે રાજકોટના ચાંદી ઉદ્યોગને કેટલો મોટો ફટકો પડયો છે. જેમાંથી હવે કયારે બહાર અવાશે તે વિશે કોઈ વેપારી છાતી ઠોકીને કહી શકે તેમ નથી.


