Gujarat

જલાલપુર વજીફાના મુખ્ય માર્ગ પર 20 દિવસથી પાણીનો નિકાલ નહીં થતાં ગ્રામજનોની મૌન રેલી

By GS TEAM
2 Jul 20252 mins read
જલાલપુર વજીફાના મુખ્ય માર્ગ પર 20 દિવસથી પાણીનો નિકાલ નહીં થતાં ગ્રામજનોની મૌન રેલી

ગામના રસ્તાઓ પર ભરાયેલા ગોઠણસમા પાણીમાંથી રેલી કઢાઇ

પ્રાંત અધિકારીની કચેરીએ ગ્રામજનો એકઠાં થઇ વિરોધ સાથે આવેદન આપ્યું ઃ ત્રણ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

પાણીનો નિકાલ કરવા ધારાસભ્યએ આદેશ કર્યો પણ અધિકારીઓ ધોળીને પી ગયા

બગોદરા -  ધોળકા તાલુકાના જલાલપુર વજીફાના મુખ્ય માર્ગ પર ૨૦ દિવસથી પાણીનો નિકાલ નહીં થતાં ગ્રામજનોની મૌન રેલી કાઢી હતી. પ્રાંત અધિકારીની કચેરીએ ગ્રામજનો એકઠાં થઇ વિરોધ સાથે આવેદન આપ્યું હતું અને ત્રણ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગામમાંથી પાણીનો નિકાલ કરવા સ્થાનિક ધારાસભ્યએ આદેશ કર્યો પણ અધિકારીઓ ધોળીને પી ગયા હતા.

ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામે છેલ્લા ૨૦ દિવસથી ગામના માર્ગો પર પાણી ભરાયેલા રહેતા ગ્રામજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાના કારણે દૈનિક જનજીવન, ખાસ કરીને શાળાએ જતા બાળકો અને સ્થાનિક વ્યવસાયો પર ગંભીર અસર પડી રહી છે.

સ્થાનિક ધારાસભ્ય દ્વારા થોડા દિવસો પહેલા તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને બિલ્ડરો સાથે રેસ્ટ હાઉસમાં બેઠક યોજી પાણીના નિકાલ માટે આદેશ આપવામાં આવ્યા હતા. જોકે, આ આદેશોની તંત્ર પર કોઈ અસર જોવા મળી ન હતી અને ગામમાં પાણી ભરાયેલા જ રહ્યા હતા.

આથી, રોષે ભરાયેલા ગ્રામજનોએ વિવિધ બેનરો સાથે જલાલપુર વજીફા ગામથી ૨ કિલોમીટર લાંબી પદયાત્રા સ્વરૃપે મૌન રેલી કાઢી હતી. આ રેલી ધોળકા પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ આવેદનપત્ર સુપરત કરી ત્રણ દિવસમાં પાણી નિકાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો પાણીનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

લાંબા સમયથી પાણી ભરાયેલા રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને પાણીજન્ય રોગચાળાનો ભય પણ તોળાઈ રહ્યો છે. ગ્રામજનોના આ ઉગ્ર સ્વરૃપના આંદોલનના પગલે તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી. જોકે, પાણીનો નિકાલ ક્યારે થશે અને લોકોની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જે અંગે ગ્રામજનોમાં હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે.