Gujarat

આઉટ સોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવાતા કોર્પોરેશનની શાખાઓમાં સન્નાટો

By GS TEAM
6 Nov 20252 mins read
આઉટ સોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવાતા કોર્પોરેશનની શાખાઓમાં સન્નાટો

પદાધિકારીઓએ પણ જરૃરી કર્મચારીઓને પરત લેવા તાકિદ કરી

નવા કાયમી ૮૦ ક્લાર્કને હાજર કરાયા પરંતુ શાખા નહીં ફાળવવામાં આવતા હજી કામગીરી અટકી પડી

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા અને ૮૦ જેટલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેમને શાખાઓ ફાળવવામાં આવી નથી. જેના કારણે કામગીરી અટકી પડી છે. એટલું જ નહીં ઘણી શાખાઓમાં કામ નહીં થતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે જરૃરી સ્ટાફને પરત લેવા પણ પદાધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં હાલ કોઈ અરજદાર જાય તો પ્રથમ માળના બાંકડા ઉપર મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ બેસેલા જોવા મળે તેમ છે તે કોઈ અરજદાર નથી પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે. તેમને ગત એક નવેમ્બરે હાજર કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તેમને કોઈ શાખા ફાળવવામાં નહીં આવતા રોજ સવારે કચેરી આવી જાય છે અને બાંકડા ઉપર બેસી રહે છે. બીજી બાજુ શાખાઓમાં રહેલા આઉટસોસગના કર્મચારીઓ છૂટા કરી દેવામાં આવતા હાલ ત્યાં કોઈ જ કામગીરી થઈ શકતી નથી. એટલું જ નહીં બે બે કર્મચારીઓ ઉપર સમગ્ર શાખાઓનું ભારણ આવી જતા કામગીરી અટકી પડી છે અને અરજદારોને હેરાન થઈ જવું પડયું છે. વહીવટી પાંખ દ્વારા ઓચિંતા લેવાયેલા આ નિર્ણયને કારણે તેની સીધી અસર કોર્પોરેશનની કામગીરી ઉપર પડી રહી છે. કેટલાક અધિકારીઓએ જરૃરી કર્મચારીઓને પરત લેવા માટે પણ માંગણી કરી છે પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. તો પદાધિકારીઓએ પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કોર્પોરેશનની કામગીરી અટકે નહીં તે માટે જરૃરી ૫૦થી વધુ આઉટચોરસિંગના કર્મચારીઓને ભરીને કોર્પોરેશનની કામગીરી રાબેતા મુજબ શરૃ થાય તે માટે દબાણ કર્યું છે ત્યારે હવે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.