સિહોરની રોલિંગ મીલના માલિક સાથે રૂ. 2.35 કરોડની છેતરપિંડી
- સીએ સહિત કુલ 4 શખ્સો સામે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- નવી મશીનરી ખરીદવા માટે વેપારીના નામે લોન મંજુર કરાવી વેપારીને મશીનરી નહી આપી છેતરપિંડી આચરી
સિહોર તાલુકાના નેસડા ગામે રહેતા અને રાધેશ્યામ રોલિંગ મીલ નામે સ્ટીલ બાર કંપની ધરાવતા કિશોરભાઈ જેઠાભાઈ કુવાડીયાએ સિહોર પોલીસ મથકમાં સીએ પ્રવિણ ચૌહાણ, કેતન દવે, મિતુલ મહેતા અને પાર્થ તેરૈયા (તમામ રહે. રાજકોટ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ-૨૦૨૩ના જાન્યુઆરી માસમાં કંપની માટે નવા મશીનની ખરીદી માટે લોન મેળવવા અંગે જણાવતા તેમણે ઉક્ત કેતનભાઈ તથા અન્ય લોકોનો પરિચય કરાવ્યો હતો અને તેમને વિશ્વાસમાં લઈ વેદશ્રી એન્ટરપ્રાઈઝના નવી મશીનરીના બીલો મોકલી તથા નવી મશીનરી તેમને મળી ગઈ છે તે અંગે ડિલિવરી ચલણ બનાવી ચલણમાં તેમની અજ્ઞાાનતાનો લાભ લઈ લોન પ્રોસેસ ડોક્યુમેન્ટ હોવાનું જણાવી સહી લઈ મશીનરીના જીએસટી સાથેના ખોટા બીલો બનાવી તેના આધાર પર એક્સિસ બેંકમાં રૂ.૮૦ લાખ, પ્રોટિયમ ફાયનાન્સ રાજકોટ શાખાના રૂ.૧,૨૪,૨૩,૯૧૭ તથા નવી મશીનરી પેટે રૂ.૩૦,૮૮,૩૪૧ મળી કુલ રૂ.૨,૩૫,૧૨,૨૫૮ વેદશ્રી એન્ટરપ્રાઈઝે મેળવી મશીનરી નહી મોકલી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.