Get The App

વેરાવળ અને જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો

તલાલા અને ગીરમાં માવઠું થવાથી કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ

Updated: Dec 15th, 2022

GS TEAM


Google News
Google News
વેરાવળ અને જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના 1 - image

IMAGE PIXABAY

અમદાવાદ, 15 ડિસેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો હળવો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં પાક બગડી જવાની ભિતી સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 ડિસેમ્બર સુધી વાતાવરણ વાદળછાયુ રહેશે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ છે. હાલમાં રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લીધે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. 

ગીરની કેસર કેરીના પાકને નુકસાન થવાની ભિતી
સૌરાષ્ટ્રમાં તલાલા અને ગીર વિસ્તારમાં ગઈકાલે વાતાવરણ પલટાયું હતું અને હળવો વરસાદ થયો હતો. આ વરસાદને કારણે શિયાળુ પાક અને ખાસ કરીને ગીરની કેસર કેરીના પાકને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. ખેડૂતોમાં માવઠાને લઈને ચિંતા પ્રસરી ગઈ છે. બીજી તરફ અરબી સમદ્રમાં ડિપ્રેશનને કારણે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે પલટો જોવા મળશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે 16મી ડિસેમ્બરે વાતાવરણમાં સમગ્ર ગુજરાતમાં પલટો જોવા મળી શકે છે.આજે અમદાવાદના પાલડી, વાસણા, સેટેલાઈટ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે. 

17મી ડિસેમ્બર પછી વાતાવરણમાં ફેરફાર થશે
હાલમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાતા વાતાવરણ પર અસર થઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. 17મી ડિસેમ્બર પછી વાતાવરણમાં ફેરફાર થતાં જ ઠંડીમાં વધારો જોવા મળશે. હવામાન વિભાગ પ્રમાણે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ જશે. 

માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી
વાદળછાયા વાતાવરણ અને માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. માવઠું થાય તો ઘઉં, ચણા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચે એવી સંભાવના છે.  હાલ શિયાળાની સિઝન હોવાથી ખેડૂતોએ લીલા શાકભાજી, રાઈડો સહિતના ઘણા પાકો વાવ્યા છે. જેથી માવઠાને કારણે પાકને નુકસાન પહોંચી શકે છે. 

Tags :