નડિયાદમાં સિદ્ધાર્થ ડુપ્લેક્સના બિલ્ડર સિદ્ધાર્થ કન્સ્ટ્રક્શનને 5 લાખનો દંડ ફટકાર્યો
- મકાન માલિકોના તરફેણમાં ચૂકાદાથી બિલ્ડર લોબીમાં ફફડાટ
- 45 દિવસમાં કોમન પ્લોટ સોસાયટીને પરત કરવા સાથે ગટર લાઈનનો પ્રશ્ન પણ ઉકેલવા રેરાનો આદેશ
નડિયાદમાં સિદ્ધાર્થ ડુપ્લેક્સના બિલ્ડરે સોસાયટીનો કોમન પ્લોટ ગેરકાયદે રીતે વેચી દીધો અને માજનની જગ્યા પણ આ કોમન પ્લોટ વેચતા પહેલા તેમાં દબાવી દીધી હતી. માજનની જગ્યામાંથી અન્ય સોસાયટીની ગટર લાઇન પણ પસાર કરવામાં આવી હતી, જેનાથી સોસાયટીના રહીશોમાં ભારે નારાજગી વ્યાપી હતી. મકાન માલિકોએ આ અંગે નડિયાદ મહાનગરપાલિકા સહિત રાજ્ય સ્તરે લેખિત ફરિયાદો કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક કાર્યવાહી કરાઈ ન હતી. બિલ્ડર દ્વારા યોજના અનુસાર કામ કરવાને બદલે મનસ્વી નિર્ણયો લેવામાં આવ્યા હતા અને સોસાયટીમાંથી વધુ નાણાં કમાવવાનો પ્રયાસ કરાયો હતો. બિલ્ડર દ્વારા ધાકધમકી તેમજ રાજકીય દબાણ પણ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મકાન માલિકોએ કર્યો હતો.
સોસાયટીના રહીશોએ કેન્દ્ર સરકારના રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, ૨૦૧૬ હેઠળ રેરા સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.
રેરાએ ફરિયાદને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધર્યા બાદ બિલ્ડર સિદ્ધાર્થ કન્સ્ટ્રક્શનને પાંચ લાખ રૂપિયાનો દંડ ભરવા આદેશ કર્યો છે. ઉપરાંત, કોમન પ્લોટ ૪૫ દિવસની અંદર સોસાયટીને પરત કરવા અને ગટર લાઇનનો પ્રશ્ન પણ ૪૫ દિવસમાં ઉકેલવા નિર્દેશ કર્યો છે. ત્યારે રેરાના આ નિર્ણયથી બિલ્ડર લોબીમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
ચુકાદા વચ્ચે ટીપી-૨માં કોમન પ્લોટમાં બાંધકામ ચાલુ
થોડા દિવસ પહેલા નડિયાદ મનપા હસ્તક ટીપી-બેમાં સર્વે નં.૨૪૬વાળી જમીનમાં પણ નિયમોના ઉલ્લંઘન કરી બિલ્ડર ગુ્રપ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યાનો મુદ્દો ગાજ્યો હતો. હવે સમગ્ર ઘટનાક્રમમાં મનપા, મા.મ. સ્ટેટ અને રેરા સહિત રાજ્ય સરકારની અનેક ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો હોવા છતાં આ મામલે હજુ સુધી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી અને પરીણામે જાહેર રોડ પર સોસાયટીના કોમન પ્લોટમાં આ પ્રકારે બાંધકામ ચાલી રહ્યું છે.