નવરાત્રીમાં પરિવારને તલવારથી બાનમાં લઇ દાગીના-રોકડ લૂંટનાર સિકલીગર ગેંગ ઝડપાઇ

વડોદરાઃ નવરાત્રી દરમિયાન ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ મકાનમાંથી દાગીના અને રોકડની લૂંટના બનેલા સનસનાટીભર્યા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી સિકલીગર ગેંગના ત્રણેય લૂંટારાને ઝડપી પાડયા છે.
ગાજરાવાડી સુએઝ પંપિંગ રોડ પર સિયારામ નગરમાં રહેતો અનિકેત ચુનારા તેના પરિવારજનો સાથે ગરબા જોવા ગયો હતો ત્યારે ત્રણ લૂંટારા ત્રાટક્યા હતા.જેમાંથી બે જણા દરવાજાનો નકૂચો તોડી અંદર ચોરી કરતા હતા જ્યારે,એક લૂંટારો બહાર તલવાર લઇને બહાર ઉભો રહ્યો હતો.
આ દરમિયાન રાતે એક વાગે ગરબામાંથી અનિકેત પરત ફરતાં તેણે મકાનની બહાર ઉભેલા લૂંટારાને તમે કોણ છો,અહીં શું કરો છો..તેમ પૂછ્યું હતું.જેથી તલવાર સાથે લૂંટારો તેના તરફ ધસ્યો હતો અને ૫૦ મીટર જેટલો દૂર લઇ જઇ બૂમો પાડી છે તો ગળે તલવાર ફેરવી દઇશ તેવી ધમકી આપી હતી.આ વખતે બીજા બે લૂંટારા બહાર આવી ગયા હતા અને ત્રણેય જણા બે બાઇક પર ફરાર થઇ ગયા હતા.
લૂંટારા કુલ આઠ તોલા સોનું અને રોકડા રૃ.૩ લાખ લૂંટી ગયા હતા.જે બનાવની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ ને આધારે શાસ્ત્રી બાગ પાસેથી અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી(મહાનગર, ડભોઇરોડ),કુલદીપસિંગ ઉર્ફે સની સિંગ ભગતસિંગ બાવરી(આંબેડકરચોક, નિઝામપુરા) અને પ્રેમસિંગ ઉર્ફે ભીમો સતનામ સિંગ બાવરી(શંકરનગર, સયાજીગંજ)ને ઝડપી પાડી ૮૩ હજારના દાગીના,૮૦ હજાર રોકડા, બે બાઇક સહિતની ચીજો કબજે કરી છે.
મારૃતીનગરના મકાનમાં કાંઇ નહિ મળતાં સિયારામનગરમાં ત્રાટક્યા
સિકલીગર ગેંગના ત્રણેય લૂંટારાએ નવરાત્રી દરમિયાન પહેલાં ગાજરાવાડી સુએઝ પંપિંગ પાસે મારૃતીનગરના એક મકાનનું તાળું તોડયું હતું.પરંતુ તેમાંથી માંડ ૩ થી ૪ હજારની મત્તા મળી હતી.જેથી તેઓ નજીકના સિયારામ નગરના બંધ મકાનમાં ત્રાટક્યા હતા.
ત્રણેય લૂંટારાઓનો ગુનાઇત ભૂતકાળ
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ કહ્યું છે કે,ત્રણેય લૂંટારા ગુનાઇત ભૂતકાળ ધરાવે છે.જે પૈકી પ્રેમસિંગ સામે વડોદરા અને મોરબીમાં ૧૫ જેટલા ગુના,અમરસિંગ સામે વડોદરા અને મોરબીમાં ૭ ગુના અને કુલદીપ સામે પણ છ ગુના નોંધાયેલા છે.