સુરેન્દ્રનગરમાં બીમાર ગાયને સમયસર સારવાર નહીં મળતા મૃત્યુ

શહેરમાં વધુ એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવા માંગ
અપૂરતી હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ અને ડોક્ટરના કારણે લોકોમાં રોષ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં બીમાર પડેલી એક ગાયને સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયું છે. ગૌપ્રેમી લોકોએ અપૂરતી હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ સામે રોષ વ્યક્ત કરી સુરેન્દ્રનગર શહેરમાં વધુ બે એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.
વિઠ્ઠલ પ્રેસ રોડ પાસેના એક ખાલી પ્લોટમાં ગાયના નાકમાંથી લોહી નીકળવાનું શરૃ થતાં હરદીપભાઈ શુક્લ નામના નાગરિકે એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં માત્ર એક જ એનિમલ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ અને ડોક્ટર હોવાથી, તેઓ ચાર-પાંચ કલાક સુધી પહોંચી શકે તેમ ન હોવાનું જણાવાયું હતું. જોકે, હરશક્તિ ગૃપનો સંપર્ક કરતા સેવાભાવી યુવાનોએ તાત્કાલિક ગાય માતાને શિવ શક્તિ ગૌશાળા ખાતે લઈ જવાની વ્યવસ્થા કરી, જ્યાં પહોંચતા પહેલા જ ગાયનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાથી શહેરમાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક માત્ર એમ્બ્યુલન્સ અને ડોક્ટરની અછતને કારણે મૂંગા પશુઓએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.