જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે
શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારને અસર થશે પાંચ સ્થળે રિપેરિંગ માટે ૧૮ ટીમો કામે લાગશે
વડોદરા, તા.26 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગની પ્રોજેકટ શાખા તા.૩૦ના રોજ પાણીના લાઇનનું જોડાણ, લાઇન શિફટિંગ સહિતની કામગીરી માટે શટડાઉન લેવા વિચારી રહી છે. જો વરસાદ નહીં હો તો આ દિવસે શટડાઉનને લીધે ઉત્તર અને પૂર્વ વિભાગને પાણી નહીં મળે.
જીએસએફસી મેનગેટ સામે રાયકા-દોડકાની સંયુક્ત લાઇન ૫૬ ઇંચની પસાર થાય છે. આ મુખ્ય ફિડર લાઇન સાથે ૬૧ ઇંચ ડાયામીટર લાઇનનું જોડાણ કરવાનું છે.
૫૬ ઇંચની લાઇન હાલ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હોવાથી નવી લાઇનનું જોડાણ કરાશે. દોડકા ફ્રેન્ચવેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેમાં દોડકા ફ્રેન્ચવેલથી ૨૪ ઇંચ ડાયામીટરની લાઇનનું રાયકાના નાકે જોડાણ કરવામાં આવશે. દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇન બે જગ્યાથી આવે છે. તેને આ નવા જોડાણ સાથે સાંકળી લેવાશે. હાલ રાયકા કૂવા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલે છે તેની ૩૬ ઇંચની ફિડર લાઇનનું શિફટિંગ કરીને નવી લાઇન સાથે જોડાણ કરાશે. મધ્ય ગુજરાત વીજ નિગમના રાયકા ફ્રેન્ચવેલ ખાતેના સપ્લાય યુનિટને પણ ખસેડવાનું છે. કુલ ૧૮ ટીમ આ કામગીરીમાં લાગશે અને ૧૮ થી ૨૦ કલાકનું શટડાઉન લઇ કામગીરી કરશે. આ ઉપરાંત સમા એબેક્સ સર્કલ ખાતે હાલ ઓવરબ્રિજની કામગીરી ચાલે છે. બ્રિજના એલાઇન્મેન્ટમાં પિલર નીચે એક લાઇન પસાર થાય છે, તે પણ ખસેડીને તેનું જોડાણ કરવામાં આવનાર છે.