Gujarat

યુદ્ધની અસરને લીધે ઔદ્યોગિક વિસ્તારમાં શટડાઉન : વીજ ડિમાન્ડ 2,000 MW ઘટી

By GS TEAM
3 Apr 20262 mins read
યુદ્ધની અસરને લીધે ઔદ્યોગિક વિસ્તારમાં શટડાઉન : વીજ ડિમાન્ડ 2,000 MW ઘટી

સામાન્ય સંજોગોમાં 8000 MWની ડિમાન્ડ અત્યારે ઘટીને 6,000 MWની આસપાસ ખેતીવાડીમાં પણ માવઠાને લીધે વીજ ડિમાન્ડ ઉપર વ્યાપક અસરઃ બુધવારે વીજ ડિમાન્ડ ઘટીને 5900 MW એ પહોંચી ગઇ

રાજકોટ, : સામાન્ય રીતે ચૈત્ર મહિનાના આકરા તાપમાં વીજ ડીમાન્ડ વધુ રહેતી હોય છે. અત્યારે ઇંધણના પ્રશ્ને અનેક ઉદ્યોગોમાં શટડાઉન છે. જ્યારે બીજી બાજુ માવઠાના માહોલને કારણે વીજ ડીમાન્ડમાં ઘટાડો જોવા મળે છે. સામાન્ય રીતે ચૈત્ર મહિના દરમિયાન સૌરાષ્ટ્રની 8000  મેગાવોટની ડીમાન્ડ રહેતી હોય છે તેની સાપેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રની વીજ ડીમાન્ડ ૬ હજાર મેગાવોટની નજીક રહી હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રમાં વીજ વિતરણની કામગીરી સંભાળતા જેતપુર નજીક ચોરણીયાના લોડ ડીસ્પેચ સેન્ટરના સુત્રોના જણાવ્યા મુજબ 26 માર્ચના સૌરાષ્ટ્રની વીજ ડીમાન્ડ 6400 મેગાવોટ રહી હતી. ત્યારબાદ તા. 27નાં 64650, તા. 28નાં 6600, તા. 29નાં 6400, તા. 30ના 6800 , તા. 31નાં 6900 જ્યારે તા. 1 એપ્રિલના ઘટીને 5900 મેગાવોટની રહી હતી. સૌરાષ્ટ્રમાં ઉતરોત્તર ઘટતી જતી વીજ ડીમાન્ડના સંદર્ભમાં સુત્રોએ જણાવ્યું હતું કે ચૈત્ર મહિનાના આકરા તાપમાં ખેતીવાડીમાં સિંચાઇના પાણી માટે વીજળીની વિશેષ જરૂર હોય છે. પરંતુ માવઠાના માહોલને લીધે સિંચાઇ માટેની વીજ ડીમાન્ડ ઘટી છે. ઉપરાંત અમેરિકા, ઇઝરાયલ, ઇરાનના યુદ્ધની અસર સ્થાનિક ઉદ્યોગો ઉપર પડી હોવાને લીધે મોરબીનો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય ઉદ્યોગોએ સ્વૈચ્છીક રીતે શટડાઉન લાગુ કર્યુ હોવાથી ઔદ્યોગિક વિસ્તારોની વીજ ડીમાન્ડ પણ ઉતરોત્તર ઘટતી જાય છે. સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમિયાન 8000 મેગાવોટની દૈનિક વીજ ડીમાન્ડ રહે છે. તેના બદલે આ વર્ષે 6000 મેગાવોટની આસપાસની જરૂરિયાત દર્શાવે છે કે બદલાયેલી પરિસ્થિતિને લીધે અંદાજે 1800 થી 2,000 મેગાવોટ વીજ ડીમાન્ડમાં ઘટાડો થયો છે. નોર્મલ વાતાવરણ થયા બાદ વીજ ડીમાન્ડ પુર્વવત થશે.