Gujarat

શ્રીજી ઈન્ફ્રા સ્પેસને અંદાજથી વધુ ૩૭ કરોડ ચૂકવાશે, નદીપારના વિસ્તારમાં ૧૬૭ કરોડના નવા રોડ એક જ કોન્ટ્રાકટર બનાવશે

By GS TEAM
25 Jun 20253 mins read
શ્રીજી ઈન્ફ્રા સ્પેસને અંદાજથી વધુ ૩૭ કરોડ ચૂકવાશે, નદીપારના વિસ્તારમાં ૧૬૭ કરોડના નવા રોડ એક જ કોન્ટ્રાકટર બનાવશે

અમદાવાદ,મંગળવાર,24 જુન,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવા આડે હવે છ મહિના જેટલો સમય બાકી રહયો છે. આ અગાઉ સત્તાધારી પક્ષના હોદ્દેદારો તેમના માનીતા કોન્ટ્રાકટરોને નવા રોડ બનાવવાના કોન્ટ્રાકટની લહાણી કરી રહયા છે.આજે મળનારી રોડ કમિટીમાં નદીપાર આવેલા એલિસબ્રિજ સહીતના અન્ય વિસ્તારમાં નવા રોડ બનાવવા એક જ કોન્ટ્રાકટર શ્રીજી ઈન્ફ્રા સ્પેસ પ્રા.લી.ને અંદાજથી વધુ ૨૬થી ૩૧.૫૦ ટકા વધુ ભાવથી સિમેન્ટના તથા નવા રોડબનાવવા રુપિયા ૧૨૯.૮૬ કરોડના કામ રુપિયા ૧૬૭.૪૮  કરોડથી  આપવા દરખાસ્ત મુકાઈ છે.એક દરખાસ્ત સિમેન્ટના રોડ બનાવવા તથા બે દરખાસ્ત નવા આર.સી.સી.રોડ બનાવવા મુકાઈ છે. દરખાસ્તમાં કયા વિસ્તારમાં કેટલા રોડ કેટલા કિલોમીટર લંબાઈના નવા રોડ બનાવાશે એનો ફાઈલમાં પણ કોઈ ઉલ્લેખ કરાયો નથી.ચોમાસા પછી જ નવા રોડની કામગીરી શરુ થઈ શકે એમ છે. આમ છતાં કોના દબાણથી ઉતાવળે આ દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે એ બાબત ચર્ચાનો વિષય બની છે.

રોડ કમિટી સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં સીફતાઈપૂર્વક ત્રીજી વખત ટેન્ડર કર્યા પછી એકમાત્ર સિંગલ ટેન્ડર શ્રીજી ઈન્ફ્રાસ્પેસનુ આવ્યુ હોવાનો ઉલ્લેખ કરાયો છે. કોર્પોરેશનના રોડ અને ઈજનેર વિભાગ તરફથી  કરવામા આવતા વિવિધ ટેન્ડરો પૈકી કેટલાક  ટેન્ડર ચાર કે તેથી વધુ વખત કરાયા પછી પણ કોઈ કોન્ટ્રાકટર કામ કરવા તૈયારી ના બતાવે તો એજ ટેન્ડર ફરી રી-ટેન્ડર કરાતુ હોય છે. આમ છતાં આશ્ચર્યજનક રીતે  એક જ કોન્ટ્રાકટર શ્રીજી ઈન્ફ્રાસ્પેસને નદીપાર આવેલા પાલડી,વાસણા,નારણપુરા, નવરંગપુરા, નવા વાડજ અને સાબરમતી સહીતના અન્ય વોર્ડ વિસ્તારમાં સિમેન્ટના રોડ બનાવવા  અંદાજીત ભાવથી ૨૬ ટકા વધુ ભાવથી, જુદા જુદા રસ્તા રીસરફેસ કરવા  અંદાજીત ભાવથી ૩૧.૫૦ ટકા વધુ ભાવથી રુપિયા ૪૫-૪૫ કરોડની રકમના એમ કુલ ૧૬૭ કરોડથી વધુની રકમથી રોડની કામગીરી આપવામાં આવશે.વિપક્ષનેતાએ અગાઉ આપવામાં આવેલા રોડના કામ પુરા થયા નથી ત્યારે એક જ કોન્ટ્રાકટરને  કામ આપવાના બદલે રિ-ટેન્ડર કરવા માંગણી કરી છે.

કયા કામ માટે કેટલો વધારો અપાશે?

પ્રકાર           અંદાજિત રકમ(કરોડ)  ટેન્ડરની રકમ(કરોડ)

સિમેન્ટ રોડ      ૬૦.૦૦                       ૭૫.૬૦

રોડ રીસરફેસ   ૩૪.૯૩                     ૪૫.૯૪

રોડ રીસરફેસ    ૩૪.૯૩                   ૪૫.૯૪

સિમેન્ટના રોડ કયાં-કયાં બનાવાશે

વોર્ડ            વિસ્તાર

સાબરમતી      ચકલી ફુવારાથી જવાહર ચોક

સાબરમતી      ચકલી ફુવારાથી ટોરેન્ટ પાવર

સાબરમતી      ચિંતામણી સોસાયટીથી સ્મશાનઘર રોડ

નવરંગપુરા     મીઠાખળી છ રસ્તાથી ગીરીશ કોલ્ડ્રીંક

નવરંગપુરા     પાસપોર્ટ ઓફિસથી પંચવટી પાંચ રસ્તા

નવરંગપુરા     ગોયેલ ટાવરથી સ્વાગત ચાર રસ્તા

નવરંગપુરા     માણેકબાગ ક્રોસરોડથી કેનયુગ ક્રોસરોડ

નવરંગપુરા     નહેરુનગર ક્રોસરોડથી પંચવટી પાંચ રસ્તા

સ્ટેડિયમ        ભીમજીપુરા ચાર રસ્તાથી આંબેડકર સ્ટેચ્યુ

નવાવાડજ      પાર્થ ટાવરથી પ્રયાગ એપાર્ટમેન્ટ સુધી

નવાવાડજ      સ્પોર્ટસ કોમ્પલેકસ વાળો રોડ

નવાવાડજ      સોરાબજી કમ્પાઉન્ડથી ભારતમાતા ઉદ્યાન

વાસણા         કેનાલ રોડ ઉપરના ૫૦૦ મીટર રોડ ઉપર

વાસણા         એ.પી.એમ.સી.જંકશનથી વૈશાલી ટાવર રોડ

વાસણા         શ્રીજી બાપા કોમ્પલેકસથી વાસણા બેરેજ રોડ

વાસણા         કિર્તીમંદિર સોસાયટીથી વાસણા સ્કેટીંગ રોડ

વાસણા         શ્રોફ માર્કેટથી યશકમલ સોસાયટી સુધી

વાસણા         પાયલ ફલેટથી હરીઓમનગર

ચાંદખેડા        દેવનંદન હોરાઈઝનથી એસ.પી.રીંગ રોડ

ચાંદખેડા        સંસ્કારધામથી સાબરમતી હિન્દી સ્કૂલ રોડ

ચાંદખેડા        બ્રહ્માણી માતા મંદિરથી મેટ્રો થઈ રીંગ રોડ