આવતીકાલથી શ્રાવણ માસ શરૂ, મંદિરોમાં અભિષેક નહીં થાય
- માસ્ક વગર પ્રવેશ મળશે નહીં
અમદાવાદ, તા. 20 જુલાઈ 2020 સોમવાર
આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની અસર તેના પર પણ પડવાની છે.
આ વર્ષે કોરોના વાયરસના કારણે કોઈ મંદિરમાં વિશેષ આયોજન રખાયા નથી. દરેક ભક્તોએ દર્શન કરવા સમયે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો રાજ્યના અનેક મંદિરોમાં દર્શન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે.
શ્રાવણ મહિનામાં શિવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે ખાસ ધ્યાન રાખવામાં આવશે. જે કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખાસ પાલન કરવુ પડશે. તો મંદિરમાં ફૂલ-હાર, પ્રસાદ ચઢાવી શકાશે નહીં.