Get The App

વીએસ હોસ્પિટલમાં તોડફોડના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી, સરકાર અને AMCને શોકોઝ નોટિસ

Updated: Aug 6th, 2022

GS TEAM

Google News
Google News
વીએસ હોસ્પિટલમાં તોડફોડના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી, સરકાર અને AMCને શોકોઝ નોટિસ 1 - image

અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવાર

શહેરની ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે આરોગ્ય અને તબીબી સેવા પૂરી પાડતી વી.એસ.હોસ્પિટલમાં નવ બ્લોક તોડી પાડવાના અમ્યુકો સત્તાવાળાઓેના નિર્ણયને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં મુકરર કરી છે. 

વી.એસ.ના નવ બ્લોક તોડી પાડવાના અમ્યુકો સત્તાવાળાઓના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર

અરજદાર દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વી.એસ.હોસ્પટિલમાં મફત સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. વીએસ હોસ્પિટલની બાજુમાં એસવીપી અદ્યતન હોસ્પિટલ નિર્માણ થયા બાદ પણ વીએસ હોસ્પિટલમાં ૫૦૦ પથારીઓની સુવિધા ચાલુ રાખવામાં આવી છે કે જેથી ગરીીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય અને તબીબી સેવા ઉપલબ્ધ બની શકે પરંતુ હવે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા વી.એસ.હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મળતી મફત સારવાર બંધ થઇ જશે અને રોજ વીએસ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હજારો દર્દીઓ અને તેમના સગાવ્હાલાને ભારે હાલાકીનો ભોગ બનવુ પડશે. અમ્યુકો સત્તાધીશોએ આ નવ બ્લોક તોડવાના કામ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવાયા છે. 

અરજદારપક્ષ તરફથી વીએસ હોસ્પિટલમાં આ તોડફોડની કામગીરી પર રોક લગાવવા અને ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યવિષયક સેવાઓ ચાલુ રાખવા અરજીમાં દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષ દ્વારા એ મુદ્દે પણ હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સત્તાવાળાઓ દ્વારા એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને રાહત અને વાજબી દરે આરોગ્ય સેવા પૂરી પાડવાનો દાવો કરાયો હતો પરંતુ વાસ્તવમાં એસવીપી હોસ્પિટલમાં પણ ખાનગી હોસ્પિટલો જેવો ઉંચો ચાર્જ જ વસૂલાય છે. 

Tags :