'અમારા ગામમાં ગ્રામ સેવક, તલાટી અને શિક્ષકો નથી', રાજુલાના 35 સરપંચો પહોંચ્યા પ્રાંત અધિકારી કચેરીએ

Amreli News : અમરેલીના રાજુલા તાલુકાના ગામડાંઓમાં ગ્રામસેવક, તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે રાજુલા તાલુકાના 72 ગામના સરપંચોના સમર્થન સાથે આજે બુધવારે (24 સપ્ટેમ્બર, 2025) 35 ગામના સરપંચો એકઠા થઈને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજુલા તાલુકાના સરપંચોનું કહેવું છે કે, ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતાં મુશ્કેલીમાં મૂકાયા છીએ. આ મામલે સરકાર દ્વારા વહેલીતકે નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી
જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે, 'રાજુલા તાલુકામાં 72 ગામો આવેલા છે. તાલુકામાં હાલ કુલ 7 ગ્રામસેવક છે. આમ 1 ગ્રામસેવકના ભાગે 12 ગામ આવે છે. જેમાં ગ્રામસેવકોની અછત હોવાથી ગ્રામજનો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી શકતી નથી. બીજી તરફ, ગામની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. આમ અમારી વિવિધ માંગણીને લઈને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.'