સુરત પાલિકાના નેચર પાર્કમાં સ્ટાફની અછત, તહેવારોમાં ઓવર ક્રાઉડથી અકસ્માતનો ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Nature Park : સુરતમાં તહેવાર અને જાહેર રજામાં મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતું સરથાણા નેચર પાર્ક કર્મચારી અને સિક્યુરિટીની ઘટથી પીડાઈ રહ્યું છે. તેમાં પણ તહેવારોની રજામાં ઓવર ક્રાઉડ પબ્લિકના કારણે નેચર પાર્ક જોખમી બની રહ્યો છે. ગઈકાલે રક્ષાબંધનના દિવસે નેચર પાર્કમાં કિડીયારુ ઊભરાયું હોય મુલાકાતીઓ આવ્યા હતા. પરંતુ પૂરતી સિક્યોરિટી અને સ્ટાફના અભાવે કેટલાક તોફાની તત્વોએ નેચર પાર્કને માથે લીધું હતું. કેટલાક યુવાનો પ્રાણીઓના પીંજરા નજીક જઈને લાકડી વડે પ્રાણીઓને હેરાન કરતા નજરે પડ્યા હતા. પાલિકાના નેચર પાર્કમાં સ્ટાફની અછત, તહેવારોમાં ઓવર ક્રાઉડથી અકસ્માતનો ભય વધી રહ્યો છે.
ગઈકાલે રક્ષાબંધનના દિવસે સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 21700 મુલાકાતીઓ પહોંચી ગયા હતા અને નેચર પાર્ક હાઉસ ફુલ કરતા પણ વધુ ફુલ થઈ ગયું હતું. તો બીજી તરફ આ નેચર પાર્કમાં સિક્યુરીટી ગાર્ડ અને વિવિધ સ્ટાફની પણ ભારે ઘટ છે. તેવામાં ગઈકાલે લોકોનું કિડીયારુ ઊભરાયું હોય તેમ લોકો આવી પહોંચ્યા હતા. તેમાં પણ કેટલાક યુવાનો છાકટા બની ગયા હતા અને શાહુડીના પીંજરા બહાર બેરીકેટ મુકી હતી તે કુદીને પીંજરા નજીક પહોંચી ગયા હતા. તેમાં પણ એક યુવાનો પીંજરા નજીક જઈને લાકડી વડે શાહુડીને હેરાન કરતો હતો. તો કેટલાક લોકો પ્રાણીઓના પીંજરામાં અન્ય વસ્તુઓ પણ નાંખતા જોવા મળ્યા હતા. આ ઓછું હોય તેમ કેટલાક લોકો પ્રાણીઓ માટે બનાવેલા પીંજરાની રેલીંગ પર બેસીને ફોટો પડાવતા જોવા મળ્યા હતા.
નેચર પાર્કમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા ઘણી ઓછી છે અને તેમાં પણ ઓવર ક્રાઉડ હોય ત્યારે સિક્યુરિટી ગાર્ડને કોઈ ગાંઠતું નથી. ગાર્ડ માત્ર સીટી વગાડે છે પરંતુ તોફાનીઓ અટકતા નથી. આવા સમયે કોઈ વ્યક્તિ અકસ્માતે હિંસક પ્રાણીઓના પીંજરામાં પડી જાય અને જાનહાની થાય તો જવાબદારી કોની તે અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિને કારણે દિલ્હી, નાગપુર, ઈંદોર અને કાંકરિયાના હિંસક પ્રાણીના પાંજરામાં માણસ જવાની ઘટનાની જેમ સુરત પ્રાણી સંગ્રહાલયમાં પણ બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. આવી સ્થિતિ વચ્ચે પાલિકા તંત્ર સિક્યુરિટી ગાર્ડ પુરતા આપતું નથી ત્યારે કોઈ અકસ્માત થા ત્યારે હયાત કર્મચારીઓને માથે જવાબદારી નાખી સુડીએ ચઢાવી દેવામાં આવે તે શક્યતા પણ નકારી શકાતી નથી.
નેચર પાર્કની ટીકીટ બારી આઠ, કર્મચારીઓની સંખ્યા છે ચાર : ટિકિટ આપવા ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ પણ બેસવું પડ્યું
સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓને ટિકિટ આપવા માટે આઠ બારી રાખવામા આવી છે. સામાન્ય દિવસોમાં તો આ ટિકિટ બારી પર વધુ ભીડ નથી હોતી પરંતુ રવિવાર અને રજા કે તહેવારના દિવસોમાં હાલત કફોડી થઈ જાય છે. ગઈકાલે મુલાકાતીઓનો ધસારો હોવાથી ટિકિટ બારી માટે પુરતા કર્મચારી ન હોવાથી ટિકિટ આપવા નેચર પાર્ક અન્ય કર્મચારીઓ સાથે ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ પણ બેસવું પડ્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
ગઈકાલે 21700 મુલાકાતીઓ નેચર પાકમાં આવ્યા ત્યારે તેની સામે નેચર પાર્કની ટીકીટ બારીના ચાર કર્મચારીઓ પૂરતા ન હતા. તેથી એનિમલ કીપર, સુપરવાઈઝર સહિત અનેક સ્ટાફ સાથે ટિકિટબારી પર ભીડ કાબુમાં કરવા માટે ઈનચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ પણ ટીકીટ વિતરણ માટે બેસવું પડ્યું હતું. દર રવિવાર અને તહેવારોમા આવી હાલત થતી હોવા છતાં પણ પાલિકા સ્ટાફની ભરતી કરતી ન હોવાથી અન્ય સ્ટાફની હાલત કફોડી થઈ રહી છે.









