Gujarat

મનપામાં એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછત, આશરે 1.50 લાખ મિલકતોનો રી-સર્વે બાકી

By GS TEAM
25 Sep 20252 mins read
મનપામાં એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછત, આશરે 1.50 લાખ મિલકતોનો રી-સર્વે બાકી

- કાલે ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળશે 

- સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં એસેસમેન્ટ વિભાગ અને ઘરવેરા વિભાગનુ અલગ અલગ સેટઅપ મંજુર કરવા સહિતના 18 ઠરાવને બહાલી અપાશે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળશે, જેમાં જુદા જુદા કામના ઠરાવને બહાલી આપવા નિર્ણય કરાશે. મનપામાં એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછતના પગલે ઘણી મિલકતોનો રી-સર્વે બાકી છે ત્યારે સેટઅપ મંજૂર કરવા નિર્ણય કરાશે.

મહાપાલિકાના હોલ ખાતે આગામી તા. ર૬ સપ્ટેમ્બરને શુક્રવારે સાંજે ૪ કલાકે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળશે. સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ જુદા જુદા કામના ૧૮ ઠરાવને મંજૂરી આપવામાં આવશે, જેમાં એસેસમેન્ટ વિભાગ અને ઘરવેરા વિભાગનું અલગ-અલગ સેટઅપ મંજુર કરવાની તથા એસેસમેન્ટ વિભાગ ખાતે દરખાસ્તમાં દર્શાવેલ ટેબલની કોલમ નં. ૬ માં સુચિત વધારાની જગ્યાઓ મંજુર કરવા નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકાની હદમાં નવા ગામો ભેળવીને હદ વિસ્તારમાં વધારો કરવામાં આવતા મહાનગરપાલિકાની કામગીરીમાં ખુબ જ વધારો થયેલ છે.  

એસેસમેન્ટ વિભાગ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલુ છે, ૭ વોર્ડની રી-સર્વેની કામગીરી પુર્ણ થયેલ છે, જ્યારે ૧૦ વોર્ડની અંદાજીત ૧,૫૦,૦૦૦ જેટલી મિલકતોની રી-સર્વેની કામગીરી બાકી હોય, આ કામગીરી ઝડપથી પુર્ણ કરવા એસેસમેન્ટ વિભાગે સ્ટાફમાં વધારો કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે. ભાવનગર મહાનગરપાલિકાના એસેસમેન્ટ વિભાગેથી વર્ષ ૨૦૧૭-૧૮ માં જીઆઈએસ બેસેડ રી-સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી અને દર ૪ વર્ષે ફેર-આકારણી કરવાની રહે છે. પરંતુ રી-સર્વે શરૂ ૨૦૧૭-૧૮ થી કર્યેથી સ્ટાફની અછતના કારણે હજુ સુધી ફક્ત ૭ વોર્ડ અને ૬ નવા ગામ ભળેલ છે તેની અંદાજીત ૧,૬૯,૦૨૭ મિલ્કતોની જીઆઈએસ બેસેડ આકરણી પૂર્ણ થઈ શકેલ છે. જયારે અંદાજીત ૧,૫૦,૦૦૦ મિલકતોનો રી-સર્વે બાકી છે. જેની કામગીરી સત્વરે દોઢ થી બે વર્ષમાં પુર્ણ કરવા માટે કાયમી સ્ટાફની સંખ્યામાં વધારો કરવો અત્યંત જરૂરી છે. વધુમાં, એસેસમેન્ટ વિભાગે કાયમી સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવે તો જ દર ૪(ચાર) વર્ષે ફેર-આકારણીની કામગીરી થઈ શકે અન્યથા દર ૪ વર્ષે ફેર-આકારણી કરવી શક્ય બને નહિ તેમ એસેસમેન્ટ વિભાગે જણાવેલ છે. 

લ્યો બોલો, પુસ્તક પ્રકાશન પાછળ રૂા. 4.35 લાખનો ખર્ચ કરાયો 

શહેરી વિકાસ વર્ષના ર૦ વર્ષ પૂર્ણ થનાર હોય તે નિમિતે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ-ર૦રપ ની ઉજવણી કરવા તથા તે અંગે પુસ્તક પ્રકાશન કરી તેને પ્રસિધ્ધ કરવા સૂચના આપવામાં આવી હતી. આ પુસ્તક પ્રકાશનનુ કામ એજન્સી એડલર ફિલ્મસ, અમદાવાદ પાસેથી રૂા. ૪.૩પ લાખના ખર્ચથી કરાવવા કમિશનરે મંજૂરી આપી છે, તેની હકીકત જાહેર કરાશે. પુસ્તક પ્રકાશન પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરાતા લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે.