Gujarat

અમદાવાદમાં રાંધણગેસના બાટલાની ડિલીવરીમાં વિલંબ થતાં ઊહાપોહ

By GS TEAM
1 Nov 20251 min read


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

અમદાવાદ શહેરમાં છેલ્લા દસથી પંદર દિવસથી રાંધણગેસના સિલિન્ડરનો સપ્લાય ખોરવાઈ ગયો હોવાથી સિલિન્ડર માટે અરજી કરનારાઓને પાંચથી છ દિવસ સુધી સિલિન્ડર મેળવવા માટે રાહ જોવી પડી રહી છે. આમ દિવાળીના તહેવારોની સીઝનમાં તેમની હૈયાહોળી વધી ગઈ છે.  

ગેસ સિલીન્ડર બુક કરાવનારાઓનું કહેવું છે કે તેમને ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી પાંચથી છ દિવસ સુધી સિલિન્ડર મળતા નથી. તેમને તહેવારો અને દિવાળીના વેકેશનમાં સિલિન્ડરની વધુ જરૃરિયાત છે તેવા સમયે કઠણાઈનો સામનો કરવો પડી રહ્યો છે.

તેની સામે ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ કહે છે કે હા, સપ્લાય થોડો ખોરવાયો છે. એચપીસીએલનો સપ્લાય અવરોધાયો છે. આઈઓસી અને બીપીસીએલના સપ્લાયમાં કોઈ તકલીફ નથી. પરંતુ આખા વર્ષ માટે ગેસ સિલિન્ડર લાવી આપવાના ટેન્ડર ભરનારાઓને હવે ટ્રાન્સપોર્ટમાં ગેસ સિલિન્ડર લઈ જવાનું પરવડતું ન હોવાથી તેમણે ટેન્ડર પ્રમાણ સપ્લાય આપવા માટે મૂકેલી ટ્રક્સ પાછી ખેંચી લેવા માંડી છે. તેમાં તેમને આવક થવાને બદલે નુકસાન થવા માંડયું છે. પરિણામે ટૂંકા અંતરના સપ્લાયમાં આ તકલીફ ખાસ્સી વધારે છે. તેથી જ અમદાવાદ શહેરમાં આ તકલીફ વધુ દેખાઈ રહી છે. 

આ સ્થિતિમાં ડિસ્ટ્રીબ્યુટર્સે નવેસરથી ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. આ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થતાં દસથી પંદર દિવસ લાગી જશે. ત્યારબાદ સંભવતઃ ગેસના બાટલાનો પુરવઠો નિયમિત થઈ જવાની સંભાવના રહેલી છે.