વડોદરા,દાહોદ મરણ પ્રસંગમાંથી ઘરે પરત આવતા ટી.વી. રિપેરીંગનું કામ કરતા દુકાનદારને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.
તરસાલી બાયપાસ પાસે શ્રીજી આંગન દર્શનમ ઇકો વિસ્ટામાં રહેતા જીતેન્દ્રભાઇ પ્રતાપભાઇ સોલંકી (ઉં.વ.૪૬) તથા તેમનો પુત્ર તરસાલીમાં ટી.વી.રિપેરીંગની દુકાન ચલાવે છે. ગત ૨૬ મી તારીખે તેઓ ટુ વ્હિલર લઇને દાહોદ સંબંધીના ઘરે મરણ પ્રસંગમાં ગયા હતા. રાત્રે ત્યાં રોકાઇને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે તેઓ વડોદરા આવવા નીકળ્યા હતા. સાંજના સાડા સાત વાગ્યા સુધી તેઓ ઘરે નહીં પહોંચતા તેમના પુત્રે મોબાઇલ ફોન કરતા ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. સગા સંબંધીને પૂછપરછ કરતા કોઇ માહિતી મળી નહતી. જેથી, પુત્ર તેઓની શોધખોળ કરવા માટે નીકળ્યો હતો. કપુરાઇ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતા રોડ પર તેના પિતાનું ટુ વ્હિલર પડયું હતું. આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના પિતાનું અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.


