વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના મહિલા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર ઝડપાયો
Vadodara : વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિના સભ્યના હોદ્દા અને સિક્કાનો દુરુપયોગ કરી આધાર કાર્ડ અપલોડ કરનાર દુકાનદારની સિટિ પોલીસે ધરપકડ કરી છે.
ફતેપુરામાં રહેતા અને કોર્પોરેશનની સ્થાયી સમિતિના સભ્ય હેમીષાબેન જયેશભાઇ ઠક્કરે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 30મી તારીખે અમારા પક્ષના કાર્યકર્તાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા નામ અને હોદ્દાના સ્ટેમ્પનો દુરુપયોગ થાય છે. જૂની આર.ટી.ઓ. કચેરી પાસે આવેલી દિયાનીતિ વેબ સોલ્યુશન નામની દુકાન પર હું ગયો હતો. ત્યારે દુકાન પર એક વ્યક્તિ કોમ્પ્યુટર પર ઓનલાઇન ડોક્યુમેન્ટ કાઢવાનું તથા સુધારો કરવાનું કામ કરતો હતો. તેણે પોતાનું નામ પરેશભાઇ જણાવ્યું હતું. મેં તેને આધારા કાર્ડમાં સરનામુ બદલી આપવાનું કહી મારી પાસે કોઇ આધાર પુરાવો નહી હોવાનું જણાવ્યું હતું. તેણે મને 950 રૂપિયા થશે તેવું કહ્યું હતું. કાર્યકર્તા હાર્દિકભાઇને વધુ તપાસ કરવાનું કહેતા એવું જાણવા મળ્યું હતું કે, કોઇ વ્યક્તિ પાસે કોઇ નાગરિક આધાર પુરાવા વગર આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા આવે ત્યારે દુકાનદાર પરેશભાઇ મારા નામ અને હોદ્દાના સિક્કાનો ઓનલાઇન દુરુપયોગ કરે છે. તેણે (1) નિશાબેન મનિષભાઇ રાયચંદાણી (2) જયાબેન ઠાકુરભાઇ કર્રા (બંને રહે. એસ.કે. કોલોની, વારસિયા) તથા (3) કમુબેન મુકેશભાઇ (રહે. જૂના આર.ટી.ઓ. રોડ, વારસિયા) ના આધારકાર્ડમાં ફેરફાર કરવા મારા નામ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરી સહી કરી આધાર કાર્ડ અપલોડ કરે છે.