જન્મનો ખોટો દાખલો કાઢી આપનાર દુકાનદાર ઝડપાયો
સોમવારે કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં દુકાનદારની પૂછપરછ કરવામાં આવશે
વડોદરા,જન્મના ખોટા દાખલા બનાવવાના કૌભાંડમાં પોલીસે અલવાનાકા વિસ્તારની દુકાનના માલિકની ધરપકડ કરી જામીન પર મુક્ત કરી સોમવારે ફરીથી તપાસ માટે હાજર રહેવા નોટિસ પાઠવી છે. સોમવારે કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં સોમવારે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
હરણી રાજેશ્વર રેસિડેન્સીમાં રહેતા શમીક શાંતિલાલ જોશી કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને વસતી ગણતરી અધિકારી તરીકે ફરજ બજાવે છે.તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આજે હું આજવા રોડ પંડિત દિનદયાળ હોલમાં તાલીમમાં હાજર હતો. તે દરમિયાન મકરપુરા ગામ બેન્ક ઓફ બરોડાની સામે આવેલી ઓફિસમાં પુત્રીના આધારકાર્ડમાં જન્મ તારીખમાં સુધારા માટે બોગસ જન્મના દાખલા સાથે આવેલા મુન્નાભાઇ ફુલચંદભાઇ પાસવાન (રહે. પાર્વતી નગર, નિલકંઠ રેસિડેેન્સીની પાછળ, મકરપુરા તથા મૂળ રહે.બિહાર) ને કોર્પોરેશનના સ્ટાફે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. આ દાખલો ક્યાંથી લાવ્યા ? તે અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે,આ પ્રમાણપત્ર માંજલપુર અલવાનાકા પાસે આવેલી એક દુકાનમાંથી કઢાવ્યું છે. મુન્નાએ તેની દીકરીનો ખોટો જન્મનો દાખલો આપનાર દુકાન માલિક અજયકુમાર રણછોડભાઇ મકવાણા (રહે. પાશીબા નગર, અલવા નાકા,માંજલપુર) ની મકરપુરા પી.આઇ.વિવેક પટેલે વધુ પૂછપરછ હાથ ધરી છે. અજય છેલ્લા એક વર્ષથી અહીંયા દુકાન ચલાવતો હતો. તેણે કેટલા લોકોને આ રીતે ખોટા દાખલા કાઢી આપ્યા છે. તેની માહિતી પોલીસ મેળવી રહી છે. આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરવા માટે જ જન્મના દાખલાની જરૃર પડતી હોય છે. છેલ્લા એક વર્ષમાં આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરનાર લોકોની વિગતો કોર્પોરેશન પાસેથી પોલીસ મેળવશે.