ચાર દરવાજા અને ન્યાયમંદિર વિસ્તારની દુકાનોની ઘરાકી ટ્રાફિક જામ અને દબાણોના કારણે ઘટી
વડોદરાઃ વડોદરા શહેરમાં દબાણોનું હબ બની ગયેલા ન્યાયમંદિર વિસ્તારમાંથી દબાણોની અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટેની માગ જોર પકડી રહી છે.વડોદરાના ૮૦ એસોસિએશનો અને ૩૫૦૦૦ જેટલા વેપારીઓના સંગઠન વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા આ મુદ્દે આજે જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
સંગઠનના હોદ્દેદારોએ કહ્યું હતું કે, ન્યાયમંદિર વિસ્તારમાંથી કોર્ટના થયેલા સ્થળાંતર બાદખાલી પડેલી ઈમારતને મ્યુઝિયમમાં ફેરવવા માટેની યોજના ૨૦૧૮થી કાગળ પર જ છે.હજી તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી.ઉપરાંત પદમાવતી શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે.જેથી અહીંયા વાહનોનું પાર્કિંગ કરી શકાય અને ટ્રાફિકની સમસ્યા હળવી બને.
સંગઠનના ચેરમેન રમેશ પટેલ અને પ્રમુખ પરેશ પરીખે એક વાતચીતમાં કહ્યું હતું કે, ચાર દરવાજા અને શહેર વિસ્તારમાં ૧૫૦૦૦ કરતા વધારે દુકાનો છે.શહેરના જ નહીં ગ્રામ્ય વિસ્તારના લોકો અને એનઆરઆઈ પણ આ વિસ્તારામં ખરીદી કરવા આવે છે.જોકે પથારાવાળાઓના દબાણો, ટ્રાફિકની સમસ્યાના કારણે હવે ધીરે ધીરે દુકાનદારોની ઘરાકી ઘટી રહી છે.આ દુકાનદારોની રોજી રોટી ચાલું રહે તે માટે દબાણો હટાવવાની તાતી જરુરીયાત છે.ઉપરાંત વિશ્વામિત્રીના નવસર્જનના પ્રોજેકટમાં પણ ઝડપ લાવવામાં આવે.જેથી ગત વર્ષની જેમ શહેરના હજારો વેપારીઓને માનવસર્જીત પૂરથી નુકસાન ના થાય.