મધ્યપ્રદેશમાં 4 ગુજરાતી કલાકારોના મોત, 7 ઈજાગ્રસ્ત, ટ્રક-ટ્રાવેલર બસ વચ્ચે થઈ હતી ટક્કર
Accident in Shivpuri : મધ્ય પ્રદેશના શિવપુરીમાં શનિવારે સવારે નેશનલ હાઇવે-27 પર ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સવારે લગભગ 5.30 વાગે બની હતી.
મળતી માહિતી અનુસાર 20 કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી રહ્યું હતું. આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, ટ્રાવેલર બસના ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું. જેના કારણે બસ બેકાબૂ બનીને ડિવાઇડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં સામેથી આવી રહેલી ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ.
1નું ઘટનાસ્થળે જ મોત, 3 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો
ઘટનાની જાણ થતાં જ સુરવાયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા. આ અકસ્માતમાં સિંગર હાર્દિક દવે (40)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (17) અને રાજપાલ સોલંકી (60)એ પણ અંતિમ શ્વાસ લીધા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોના નામ
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલર બસના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આમાંથી 7 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.