જ્યાં સૂર્યનું પહેલું કિરણ સૂર્યની મૂર્તિ પણ પડે છે તેવું અનોખું શિવ સૂર્ય રન્નાદે મંદિર
કુતિયાણાના જમરા ગામે આવેલું પ્રાચીન મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પણ 500 વર્ષ જૂનું
પોરબંદર, : પોરબંદર નજીકના કુતિયાણા તાલુકાના જમરા ગામે આવેલ શિવસૂર્ય રન્નાદે મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જ્યાં સૂર્યનું પહેલું કિરણ ભગવાન સૂર્યની મૂર્તિ પર પડે છે.
પોરબંદર જિલ્લામાં આવેલ કુતિયાણા તાલુકાના જમરા ગામમાં એક પ્રાચીન સૂર્ય - રાંદલ મંદિર આવેલું છે. જે મોઢેરાના સૂર્ય મંદિરથી પણ 500 વર્ષ જૂનું છે. જે વલ્લભીપુર રાજધાનીના વખતમાં શીલાદૈત્ય નામના રાજાએ બનાવેલું. તે સૂર્યનારાયણનો પરમ ઉપાસક હતો તથા સૂર્યદેવ તેમના ઇષ્ટદેવ હતા. એક વખત યુધ્ધ કરવા માટે જતી વખતે રાજાએ માનતા કરેલી કે, 'યુધ્ધમાં જો હું વિજયી બનીશ તો સૂર્યનારાયણના 11 મંદિરો બંધાવીશ.' જેથી સૂર્ય ભગવાને તેમને યુધ્ધ માટે પોતાનો રથ આપેલો અને રાજાનો વિજય થતાં તેમણે 11 મંદિરો બંધાવ્યા. જે પૈકી એક મંદિર જમરા ગામમાં આવેલું છે. તે સમયે અહિં રાજપુત રહેતા હતા. હાલમાં આહીર, કોળી, અબોટી બ્રાહ્મણ, રબારી, મહેર વગેરે જ્ઞાાતિઓ વસવાટ કરે છે.
શિલાદૈત્ય રાજાએ તે સમયે વિદ્યાપીઠની પણ સ્થાપના કરેલી હતી. જેમાં હજારો શિક્ષકો અભ્યાસ કરાવતા હતા. આ તમામ લખાણ પુરાતત્વ ખાતા ગાંધીનગરમાં નોંધાયેલો જોવા મળે છે. આ મંદિર અક્ષાંશ ઉપર બનેલું છે. જેથી મંદિરમાં દરરોજ સૂર્યોદય થતાં પહેલું કિરણ સૂર્ય ભગવાનની પ્રતિમા પર ભગવાનના મુખ પર પડે છે.