છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો
- અમેરીકાના ટેરિફની અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગને પરોક્ષ અસર
- મેથી સપ્ટેમ્બર સુધીમાં ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં ઉછાળો, પ્રતિ ટન રૂા. 2 હજાર સુધી શિપ મોંઘુ
અમેરીકાએ ભારત પર લાદેલા ટેરિફની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર દેશના ઘણાં ઉદ્યોગો પર પડી રહી છે. છેલ્લા ચાર મહિનામાં ડોલર સામે રૂપિયા સતત નબળો પડી રહ્યો છે. ગત મેથી સપ્ટેમ્બર સુધીમાં ડોલર સામે રૂપિયાનો સરેરાશ ભાવ રૂ.૮૪.૨૨થી વધીને રૂ.૮૮.૧૯ સુધી થયો છે એટલે કે છેલ્લા ચાર મહિનામાં ડોલર સામે રૂપિયાના ભાવમાં રૂ.૪ સુધી વધારો થયો છે. જેના કારણે શિપ બ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાંથી શિપની ખરીદી કરવી મોંઘી પડી રહી છે. છેલ્લા ચાર માસની સરખામણીએ હાલ શિપ બ્રેકરોને શિપ પ્રતિ ટન રૂ.૨હજાર સુધી મોંઘુ પડી રહ્યું છે અને તેના લીધે શિપ બ્રેકરો પણ વધારે શિપ ખરીદવાનું સાહસ કરતા નથી. બીજી તરફ અમેરીકાના ટેરિફના કારણે આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાની પુરી સંભાવના છે અને તેના લીધે અલંગના શિપબ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની કિંમત વધારે ચૂકવવી પડશે તેથી આવી પરિસ્થિતિને જોતા આગામી મહિનાઓમાં અલંગમાં આવતા શિપની સંખ્યા ઘટવાની શક્યતા વર્તાઈ રહી છે.
ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઈયુ અલંગની મુલાકાતે આવશે
અલંગમાં હોંગકોંગ કન્વેન્શલ લાગૂ થઈ ગયું છે અને બીજી તરફ યુરોપિયન યુનિયનની માન્યતા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે. ઓક્ટોબર-૨૦૨૪માં યુપોપિયન યુનિયનના એક પ્રતિનિધિ મંડળે અલંગના ત્રણ પ્લોટમાં ઓડિટ કર્યું હતું. જે બાદ હવે આગામી ડિસેમ્બર-જાન્યુઆરમાં યુરોપિયન યુનિયનનું એક પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાતે આવશે. ઈયુની માન્યતા મળ્યા બાદ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.