Gujarat

60 વર્ષના ઈતિહાસમાં શેત્રુંજી ડેમ પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો

By GS TEAM
15 Jul 20252 mins read
60 વર્ષના ઈતિહાસમાં શેત્રુંજી ડેમ પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો

- બાંધકામ પૂર્ણ થયાના પ્રથમ વર્ષે જ જળાશય છલોછલ છલકાયો હતો

- ડેમ બનાવવા 696 લાખનો ખર્ચ આવેલો, ડેમનો સ્ત્રાવ વિસ્તાર 4317 ચોરસ કિ.મી. : 5 તાલુકાના 122 ગામ માટે શેત્રુંજીનું પાણી અમૃત સમાન

ભાવનગર : પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે આવેલો સૌરાષ્ટ્રનો વિશાળ શેત્રુંજી ડેમ સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો છે. ૬૦ વર્ષના ઈતિહાસમાં સતત પાંચ કે તેનાથી વધુ વખત ડેમ ઓવરફ્લો થયો હોય તેવી પ્રથમ ઘટના છે.

વર્ષ ૧૯૫૫-૫૬માં શેત્રુંજી ડેમનું બાંધકામ શરૂ થયા બાદ ૧૯૬૫માં શેત્રુંજી ડેમ બનીને તૈયાર થઈ ગયો હતો. પ્રથમ વખત વર્ષમાં જળાશય છલોછલ છલકાયો હતો. ત્યારબાદ ચાર વર્ષ સુધી ડેમને ઓવરફ્લોનો દુકાળ નડયા બાદ વર્ષ ૧૯૭૦માં ફરી છલકાયો હતો. ભાવનગર જિલ્લાને સિંચાઈ અને પીવાના પાણીનું સમસ્યામાંથી ઉગારવાના હેતું સાથે નિર્માણ પામેલા શેત્રુંજી ડેમ પાછળ ૬૯૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પાંચ તાલુકાના ૧૨૨ ગામ માટે શેત્રુંજીનું પાણી અમૃત સમાન છે. પાલિતાણાના ૧૩, તળાજાના ૭૮, મહુવા અને ભાવનગરના ૧૩ તેમજ ઘોઘાના ૦૫ ગામને સિંચાઈનો લાભ મળે છે. ૨૫ ગામ અંશતઃ અને પૂર્ણ રીતે ડૂબમાં જાય છે. ડેમનો સ્ત્રાવ વિસ્તાર ૪૩૧૭ ચોરસ કિ.મી. છે. જે સૌરાષ્ટ્રના કોઈપણ ડેમની તુલનામાં સૌથી વધુ છે.

ચાલું વર્ષે ત્રણ વખત શેત્રુંજી ડેમે છલક સપાટી વટાવી

ચાલું વર્ષે નૈઋત્ય ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં અને ૧૭મી જૂન, છઠ્ઠી જુલાઈ અને છેલ્લે ૧૩મી જુલાઈના રોજ ડેમે છલક સપાટી વટાવી હતી.

શેત્રુંજી જળાશય ક્યારે ક્યારે ઓવરફ્લો થયો

વર્ષ ૧૯૬૫, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૮, ૧૯૯૦, ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫

ડેમની ટૂંકી હાઈલાઈટ્સ

બાંધકામ શરૂ કર્યાનું વર્ષ

૧૯૫૯

બાંધકામ શરૂ કર્યાનું વર્ષ

૧૯૬૫

કુલ ખર્ચ

૬૯૬ લાખ

સરેરાશ વાર્ષિક વરસાદ

૫૫૨ મિ.મી.

કેચમેન્ટ વિસ્તાર

૪૩૧૭ સ્કવેર કિ.મી.

ચણતરની લંબાઈ

૭૬૯.૩૦ મીટર

જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર

૬૭.૩૪ સ્કે.કિ.મી.