Get The App

શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં નિયમ વિરૂદ્ધ ફ્લેટમાં ચાલતા પીજીના સંચાલકો વિરૂદ્ધ પોલીસમાં રજૂઆત

શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં પીજી મામલે હોબાળો

એપાર્ટમેન્ટમાં આવેલા પાંચ ફ્લેટના માલિકોએ દાદાગીરી કરીને ફ્લેટ પીજી માટે આપ્યાઃ યુવકો દ્વારા સ્થાનિક યુવતી-મહિલાઓની છેડતીની પણ ફરિયાદ

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં નિયમ વિરૂદ્ધ ફ્લેટમાં ચાલતા પીજીના સંચાલકો વિરૂદ્ધ પોલીસમાં રજૂઆત 1 - image

અમદાવાદ, રવિવાર

શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં ફ્લેટની માલિકી ધરાવતા કેટલાંક લોકો દ્વારા ફ્લેટને પીજી માટે કે   ફેમીલી સિવાયના લોકોને ભાડે આપ્યા છે. જેના કારણે પીજી અને ભાડેથી રહેતા યુવક-યુવતીઓ દ્વારા દાદાગીરી કરવાથી માંડીને કેટલાંક યુવકોએ  એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ અને યુવતીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતુ હતું. આ  પ્રશ્નનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોએ રવિવારે બોપલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ગુજરાત હાઇકોર્ટના આદેશ અને પોલીસના જાહેરનામાનો ભંગ કરતા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. જે અનુસંધાનમાં બોપલ પોર્લીેસે તપાસ શરૂ કરી છે.

શેેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં નિયમ વિરૂદ્ધ ફ્લેટમાં ચાલતા પીજીના સંચાલકો વિરૂદ્ધ પોલીસમાં રજૂઆત 2 - imageશહેરના સેલામાં આવેલા ઓર્ચિડ વેલી એપાર્ટમેન્ટમાં  ગેરકાયદે પીજી અને હોસ્ટેલ જેવી પ્રવૃતિ ચાલતી હોવાને કારણે સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે તેમણે નિયમ વિરૂદ્ધ ફ્લેટ આપનારને રજૂઆત કરતા તેમને ધમકી આપવામાં આવતા રવિવારે એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક લોકોએ બોપલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ કરીને ન્યાય માટે રજૂઆત કરી હતી. છેવટે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી  લઇ આ મામલે તપાસ શરૂ કરી છે.

સ્થાનિક ઓર્ચિડ વેલીમાં રહેતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એપાર્ટમેન્ટની કમિટી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે  ફ્લેટમાં કોઇ પીજીની પ્રવૃતિ ન કરવી તેમજ બેચલરને પણ ફ્લેટ ભાડે ન આપવા. પરંતુ, એપાર્ટમેન્ટના કેટલાંક લોકોએ  નિયમ વિરૂદ્ધ ફ્લેટ ભાડે આપ્યા છે. જે અંગે તેમને સમજાવવા જતા દાદાગીરી કરવામાં આવી હતી. જેમાં ઇ-૫૦૪ ફ્લેટમાં એક કંપનીનું ગેસ્ટ હાઉસ છે. જ્યાં નવા લોકો આવતા જતા રહે છે. જેનો ભાડા કરાર એક જ વ્યક્તિના નામે છે. પરંતુ, ઉપયોગ કંપની માટે થાય છે. જ્યારે ઇ-૧૪૦૪ નંબરના ફ્લેટનો ભાડા કરાર ત્રણ વ્યક્તિના નામે કરાયો છે અને પાંચ થી સાત લોકો રહે છે. તેની સામે આવેલા  ફ્લેટ નંબર ઇ-૧૪૦૨ ત્રણ યુવતીઓ પીજી તરીકે રહે છે.  આ બંને ફ્લેટમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા એકબીજાના ફ્લેટમાં આવન-જાવન રહે છે.  

આ રીતે આઇ-૬૦૪ નંબરના ફ્લેેટમાં પીજીના નામે ચાર યુવાનોે રહે છે. જ્યાં અનેકવાર યુવતીઓની અવરજવર રહે છે. જેથી આ અંગે એપાર્ટમેન્ટ લોકોએ  વિરોધ કરતા તેમને ધમકી આપવામાં આવી હતી.  તેમજ ઇ-૧૪૦૨માં પીજીમાં રહેતા  શિવા નામના યુવક દ્વારા પણ ધમકી અપાઇ હતી.  પીજીમાં રહેતા યુવાનો દ્વારા  સ્થાનિક લોકો અને સિક્યોરીટી ગાર્ડ સાથે ઘર્ષણ થાય છે. જ્યારે ફ્લેટ નંબર બી-૫૦૪માં પીજીમાં રહેતા યુવકો અર્ધનગ્ન હાલતમાં ફ્લોર પર ફરતા હોવાથી ત્યાં રહેતા લોકો માટે શરમજનક વાતાવરણ સર્જાયુ છે. સાથેસાથે વિકેન્ડમાં ઉંચા અવાજે મ્યુઝીક વગાડીને પાર્ટી કરવામાં આવે છે.

આ બાબતે સ્થાનિક રહીશોએ પોલીસને પુરાવા સાથે રજૂઆત કરતા  પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં પીજી  કે ફ્લેટ ભાડા અંગે પોલીસમાં રજીસ્ટ્રેશન ન કરાયુ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક લોકોએ એપાર્ટમેન્ટમાં ચાલતા પીજી અને ગેસ્ટ હાઉસને તાત્કાલિક બંધ કરાવીને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

પીજી અને બેચલર ફ્લેટના કચરામાંથી દારૂ-બિયરની બોટલો મળી

ઓર્ચિડ વેલીમાં રહેતા કેટલાંક સ્થાનિક લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે સોસાયટીમા ંજ્યારે કચરો એકઠો કરવામાં આવે ત્યારે પીજી અને બેચલરના ફ્લેટના કચરામાંથી દારૂ બિયરની બોટલો પણ મળી આવી હતી. 

રાતના સમયે સ્વીમીંગ પુલમાં યુવકો ધમાલ કરવામાં આવે છે

એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા જીમ અને સ્વીમીંગ પુલ જેવી સુવિદ્યાઓ આપવામાં આવી છે. જેના ઉપયોગ માટે ચોક્કસ નિયમો રાખવામાં આવ્યા છે. પરંતુ, પીજીમાં રહેતા યુવકો દ્વારા અનેકવાર રાતના સમયે સ્વીમીંગ પુલનો ઉપયોગ કરીને ધમાલ કરવામાં આવે છે અને પાણી બગાડવામાં આવે છે. જેથી એપાર્ટમેન્ટના સ્થાનિક લોકો સ્વીમીંગ પુલનો ઉપયોગ બીજા દિવસે કરી શકતા નથી. એટલું જ નહી જીમનેશીયમમાં પણ ઉંચા અવાજે મ્યુઝીક વગાડીને ત્યાં આવતા લોકોને પરેશાન કરવામાં આવે છે.

Tags :