પંચમહાલના કોંગ્રેસ નેતાને બે વર્ષ માટે કરાયા તડીપાર, નોકરી અપાવવાના બહાને પડાવતા હતા નાણા
Panchmahal News: પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા છે. નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી. શહેરા પ્રાંત અધિકારી દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને બે વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના જે.બી.સોલંકી દ્વારા શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય તે પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોવાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તડીપાર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. શહેરા પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત અનુસંધાને જે.બી.સોલંકીને તેમનો પક્ષ મુકવાની તક આપ્યા બાદ 2 વર્ષ માટે તડીપાર કરવાની દરખાસ્તને આપી મંજૂરી આપી હતી.
વર્ષ 2023 થી 2025 દરમિયાન કોંગેસ નેતા વિરૂદ્ધ 10 ગુન્હાઓ નોંધાયેલા છે. જે.બી. સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે ઓળખાણ હોય તેમ જણાવી નોકરી અપાવવાના બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવવા તેમજ સુલેહ શાંતિનો ભંગ કરવાની ફરિયાદો નોંધાઈ હતી. કોંગ્રેસ નેતા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે.
નોંધનીય છેકે વર્ષ 2021 માં પણ જે.બી.સોલંકી વિરુદ્ધ શહેરા પોલીસ મથકે નોંધાયેલા મિલકત અને શરીર સંબંધી 6 જેટલા ગુન્હાઓના આધારે તડીપારની દરખાસ્ત થતાં શહેરા પ્રાંત અધિકારીએ પંચમહાલ,મહીસાગર,દાહોદ,ખેડા,છોટાઉદેપુર અને વડોદરા એમ 6 જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપારનો હુકમ કર્યો હતો.