જામનગરના યુવાન સાથે લગ્ન માટે બાંગ્લાદેશથી ભારત આવી હતી
બોર્ડર ક્રોસ કરવા બદલ રૂ. 7000 આપ્યા હતા બાંગ્લાદેશની મહિલાના છૂટાછેડા થઈ ગયા બાદ જામનગરના યુવાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયો હતો
રાજકોટ, : પડધરી પાસેથી ઝડપાયેલી બાંગ્લાદેશી નાગરિક શાહીદા જામનગરના યુવાન સાથે લગ્ન કરવા માટે બોર્ડર ક્રોસ કરી ભારત આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શાહીદા છેલ્લા દોઢેક વર્ષથી જામનગર રહેતી હતી. બારેક વર્ષ પહેલાં તેના બાંગ્લાદેશમાં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પુત્રીની પ્રાપ્તી થઈ હતી.
ત્યાર પછી તેના છૂટાછેડા થઈ ગયા હતા. બાદમાં તે ઈન્સ્ટાગ્રામ થકી જામનગરના સમીર નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. બંનેએ ઘણાં સમય સુધી ચેટ કરી હતી. શાહીદાને સમીર સાથે લગ્ન કરવા હોવાથી બાંગ્લાદેશમાં તેના ગામના હબીબનો સંપર્ક કર્યો હતો. જે તે વખતે સુરતમાં રહેતો હતો. બે વર્ષ પહેલાં શાહીદા, હબીબ સાથે તેના ગામથી બોર્ડર ક્રોસ કરી પગપાળા કોલકતા આવી હતી.
બોર્ડર ક્રોસ કરાવવા બદલ તેણે હબીબને રૂ. 7,000 આપ્યા હતા. બદલામાં હબીબે તેને સીમકાર્ડ કઢાવી આપ્યું હતું. સાથો-સાથ તેને સુરત લઈ આવ્યો હતો. જયાં તેની સાથે છ મહિના સુધી રહી હતી. બાદમાં ટ્રેનમાં જામનગર આવી હતી. જયાંથી દ્વારકા ગઈ હતી. જયાં સમીર મળ્યો હતો. દ્વારકામાં એકાદ વર્ષ તેની સાથે રહી હતી. છેલ્લા છ મહિનાથી બંને જામનગરમાં ભાડાના મકાનમાં રહેતાં હતા. શાહીદાની પુત્રી હાલ તેની માતા સાથે રહે છે. તેના પિતાનું અવસાન થઈ ગયું છે. પડધરી પોલીસે તેનું નિવેદન નોંધી પુછપરછ જારી રાખી છે.