Shatrunjay Videography Row: શાશ્વત તીર્થ શેત્રુંજય મહાતીર્થમાં મૂળ નાયક આદિશ્વર પરમાત્માના દેરાસરના ગભારામાં બનેલી ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. પેઢી દ્વારા અગાઉ એવો દાવો કરાયો હતો કે, ફોટોગ્રાફર બ્રાહ્મણ હતો અને અગાઉથી મંજૂરી મેળવાઈ હતી. હવે આ પેઢીએ મિચ્છામી દુક્કડમ્ પાઠવી તમામ ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી સંપૂર્ણ ડિલીટ કરીને પ્રોજેક્ટ રદ કર્યાનું જણાવ્યું છે.
જૈન સમાજમાં ભારે રોષ
હવે સવાલ એ છે કે, સમાજની લાગણી દુભાય પછી પ્રોજેક્ટ રદ કરવા કરતાં આવા પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે ટ્રસ્ટીઓએ કેમ વિચાર્યું નહીં તેવા સવાલ ઉઠ્યા છે. આણંદજી કલ્યાણજી પેઢી સાથે સંકળાયેલા એક જૈન શ્રેષ્ઠીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, 'પેઢી દ્વારા કરાયેલા બેબુનિયાદી ખુલાસાઓ ગ્રાહ્ય રાખી શકાય તેમ જ નથી. કોઈ દાતા દ્વારા 45 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તો આટલી મોટી રકમનું દાતાનું નામ કેમ જાહેર ન કરાયું?'
સાધારણ કે ભંડારામાં આવેલા પૈસામાંથી 45 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફોટોશૂટ માટે કઈ રીતે વાપરી શકાય? વધુમાં ગુજરાતમાંથી ફોટોશૂટ કરવા માટે કોઈ જ સંસ્થા મળી નહીં કે અન્ય રાજ્યમાંથી અને તે પણ વિધર્મી સંસ્થાને આટલો મોટો પ્રોજેક્ટ આપવામાં આવ્યો. સંસ્થાના ટ્રસ્ટીઓએ ફોટોગ્રાફર બ્રાહ્મણ છે અને પૂજાના કપડામાં ફોટોગ્રાફી કરાઈ છે તેવો બેહુદો ખુલાસો કેમ કરવો પડ્યો. આ અંગે જૈન સંઘમાં અને સમગ્ર સાધુ સમાજમાં ખૂબ જ આંતરિક વિરોધ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ નામજોગ જાહેરમાં કોઈ જ ખુલાસો આપવા તૈયાર નથી. માત્ર મેનેજર દ્વારા યાદીઓ આપી ખુલાસા કરાય છે. તેનો જૈનો અને સાઘુ-સંતોમાં ખૂબ જ આક્રોશ પ્રવર્તી રહ્યો છે.


