Get The App

ડૂમ્સડે કલૉક: શું પ્રલયની ઘડિયાળ ટિક ટિક બોલી રહી છે?

- હસમુખ ગજજર .

Updated: Feb 25th, 2020

GS TEAM

Google News
Google News
ડૂમ્સડે કલૉક: શું પ્રલયની ઘડિયાળ ટિક ટિક બોલી રહી છે? 1 - image


આ ઘડિયાળ ન્યૂકિલયર બોંબ જ નહી વિનાશ તરફ લઇ જતી માણસની તમામ હરકતો સામે ચેતવણી આપે છે. અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વૉર સમયે ડૂમ્સડે કલૉકનો કાંટો ૧૨૦ સેકન્ડ દૂર હતો પરંતુ ૭૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે કાંટો ૧૦૦ સેકન્ડ સુધી આવી ગયો છે. આ ઘડિયાળમાં ૧૨ ના વાગી જાય તે માટે જાગવાની જવાબદારી સૌની છે

વિનાશ કે પ્રલય આ એક એવી કલ્પના છે જેની સાથે માણસને સદીઓ જુનો નાતો છે. પૃથ્વી પરના જીવોમાં માત્ર માણસને જ વિચારવાની અને તર્ક કરવાની શકિત કુદરતે આપી છે. પૃથ્વી પર પાપ અને પૂર્ણ્ય આધારિત વિવિધ ધર્મોનું સર્જન થયું તેની પાછળ પણ ડર છુપાએલો છે. નામ છે તેનો નાશ છે પરંતુ આપણે એવી ઘડિયાળની વાત કરવી છે જેની વિનાશની આગાહી પાછળ વિજ્ઞાાન છુપાએલું છે.

ગત વીસમી સદીમાં પૃથ્વી બે વિશ્વયુધ્ધની સાક્ષી રહી છે પરંતુ હાલમાં એટલા બધા વિનાશક અસ્ત્રો અને શસ્ત્રો શોધાયા છે કે જો હવે ત્રીજુ વિશ્વયુધ્ધ થાય તો તે છેલ્લું હશે. રખેને આતંકી સંગઠનો કે કોઇ દુષ્ટ તાનાશાહના હાથમાં એક વાર ન્યૂકિલયર બોંબનું ટ્રિગર આવે તો વિશ્વના વિનાશને કોઇ રોકી શકે તેમ નથી. પાકિસ્તાન જેવા બેજવાબદાર અને આતંકી દેશ પાસે અણુંબોંબ હોવા એ ઓછું જોખમી નથી. છેલ્લા પાંચ દાયકામાં પૃથ્વી પર વિનાશના એટલા બધા અસ્ત્રો અને શસ્ત્રોનું નિર્માણ થયું છે જેનો વપરાશ ઇરાદાપૂર્વક કે અકસ્માતે થાયતો ગમે ત્યારે માનવનિર્મિત પ્રલય સૌને ભરખી જાય તેમ છે.

૧૯૪૫માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુંબોંબ ઝિંકાયા ત્યારે તો ન્યૂકિલયર સાયન્સ પાપા પગલી ભરી રહયું હતું. અણુબોંબના બાળ સ્વરુપે જે વિનાશ વેરાયો તેનાથી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. વિશ્વના બુધ્ધિજીવીઓ અને નિષ્ણાત વિજ્ઞાાનીઓને ચિંતા થવા માંડી કે અણું હુમલા પછી ભલે બીજા વિશ્વયુધ્ધનો અંત આવ્યો પરંતુ ત્રીજુ ના થાય તેની ગેરંટી નથી. આથી વૈજ્ઞાાનિકોને ડૂમ્સ ડે કલોક (સાંકેતિક ઘડિયાળ) બનાવવાનો વિચાર આવ્યો જે પૃથ્વીનો વિનાશ કેટલો નજીક છે તેનો સમય દર્શાવે છે.

૧૫ વૈજ્ઞાાનિકોએ ભેગા મળીને નોન ટેકનિકલ એકેડમિક જર્નલના સ્વરુપે એક સંગઠન તૈયાર કર્યુ જેનું નામ ધ બૂલેટિન ઓફ ધ એર્ટોમિક સાયન્ટિસ્ટસ રાખ્યું હતું. આ સંગઠનમાં એક સમયે વિશ્વના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગ પણ જોડાયેલા હતા. આ ડૂમસડે કલોક દુનિયાના લોકોને પૃથ્વીના વિનાશ કરનારા માનવ નિર્મિત પરીબળો સામે એલર્ટ કરે છે. વૈજ્ઞાાનિક રીતે ખતરાની ઉલટી ગણતરી કરીને જો ડુમસ ડે કલોકમાં મધરાતના બાર વાગે તો તે ખરાબ ગણાય છે.

૧૯૪૭માં ડૂમ્સડે કલોક શરુ થઇ ત્યારે કાંટાને અડધી રાત કરતા ૪૨૦ સેકન્ડ દૂર રાખવામાં આવ્યા હતા. જાપાનની કરુણાંતિકામાંથી દુનિયાના લિડર દેશો કશું શિખવા માંગતા ન હોય એમ માત્ર ૪ વર્ષમાં પરમાણુ હોડ શરુ થઇ હતી. ૧૯૪૯માં સોવિયત સંઘ(રશિયા)એ આરડીએસ પરમાણુ બોંબનું પરીક્ષણ કરતા ડૂમ્સડે કલોકને પ્રથમવાર મધરાતથી ૧૮૦ સેકન્ડ ઘટાડીને ૨૪૦ સેકન્ડ પર કરવામાં આવી હતી. ૧૯૫૩માં અમેરિકાએ સોવિયત સંઘના પરમાણુ પરીક્ષણના જવાબમાં હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કરતા ડૂમ્સડે ઘડિયાળમાં પ્રલયના ૧૨ વાગ્યાના સમયમાં માત્ર ૧૨૦ સેકન્ડ એટલે કે માત્ર ૨ મીનિટનું અંતર રહી ગયું હતું.

જો કે ૧૯૬૯માં વિશ્વના દેશોએ પરમાણુ અપ્રસાર સંધી પર હસ્તાક્ષર કર્યા ત્યારે ઘડિયાળમાં વિનાશનો ટાઇમ ઘટાડીને મધરાતે ૧૦ મીનિટ સુધી દૂર લઇ જવામાં આવ્યો હતો. વિશ્વમાં બનતી ઘટનાઓ પ્રમાણે પ્રલય સામે ચેતવણી આપતી આ ઘડિયાળના કાંટા છેલ્લા ૭૨ વર્ષમાં ૧૯ વાર આઘા પાછા કરવા પડયા છે. ગત ૨૨ જાન્યુઆરીના રોજ પ્રલયનું આંકલન કરતી ઘડિયાળનો સમય મધરાતે ૧૦૦ સેકન્ડ પર સેટ કરવામાં આવ્યો છે.

અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોર સમયે ઘડિયાળનો કાંટો ૧૨૦ સેકન્ડ દૂર હતો પરંતુ ૭૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે કાંટો ૧૨૦ સેકન્ડની અંદર આવી ગયો છે. આનો સીધો મતલબ એવો થાય કે ૧૯૪૭માં પ્રતિકાત્મક ઘડિયાળ ડૂમ્સડે કલોક સ્થાપવામાં આવી ત્યારથી માંડીને ત્યાર સુધીનો આ સૌથી નાજૂક સમય છે. વિશ્વમાં અત્યારે જે માહોલ ચાલી રહયો છે તે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે ૧૯૯૦ના દાયકા સુધી ચાલેલા કોલ્ડ વૉર કરતા પણ ખતરનાક છે. 

૨૦૧૭માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂકિલયર શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપીને ઉત્તર કોરિયા સામે યુદ્ધનો માહોલ ઉભો કર્યો હતો. એ સમયે પણ ડૂમ્સ ડે કલોકના કાંટા ૩૦ સેકન્ડ ૧૨ વાગવાની નજીક લઇ જવાયા હતા ત્યારે પ્રલય માત્ર સમય ૧૮૦ સેકન્ડ દૂર હતો. જો કે તાજેતરમાં આ ગાળો ઘટીને માત્ર ૧૦૦ સેકન્ડ રહયો છે. શૂન્યની ઉલટી ગણતરી  (કાઉન્ટ ડાઉન) મુજબ કામ કરતી ડૂમસડે કલોકનું સંચાલન વિજ્ઞાાન અને સુરક્ષા સમિતિ કરે છે જેમાં ૧૩ જેટલા નોબેલ પારિતોષિત વૈજ્ઞાાનિકનો સમાવેશ થાય છે.

ડૂમ્સ ડે કલોકની આગાહીઓ ધ બૂલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટસમાં પ્રકાશિત થતી રહે છે. ડૂમસડે કલોક અંગેના તાજેતરના બૂલેટિનમાં જણાવાયું છે કે ઇરાન કોઇ પણ પ્રકારના પરમાણુ કરાર કરવા રાજી ન હોવાથી અમેરિકા અને ઇરાન વચ્ચે ગમે ત્યારે ભડકો થાય તેમ છે.  ઉત્તરકોરિયા સતત પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહયું છે. એશિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં સંરક્ષણ બજેટમાં ૫૦ ટકા વધારો થયો છે. પરમાણું ટિડર બોકસ તરીકે ઓળખાતા દક્ષિણ એશિયામાંં ભારત અને પાકિસ્તાન જેવા પરમાણુ દેશોનો સમાવેશ થાય છે. ચીન અને અમેરિકાએ ૨૦૧૯માં પોતાના સંરક્ષણ બજેટમાં ૪ ટકા વધારો કર્યો છે. આંતરખંડિય મિસાઇલો બાબતે પણ રશિયા અને અમેરિકા વચ્ચે સમજૂતી થઇ હતી તેને ટ્મ્પ શાસને ઔપચારિક રીતે પુરી કરી નાખી છે.

બે પરમાણુ મહાસત્તાઓએ પરમાણુ હથિયારોની સંખ્યા નકકી કરવા માટે ન્યૂસ્ટાટ ટ્રિટી હવે એક માત્ર અસ્તિત્વમાં રહી છે પરંતુ યૂરોપને જે રીતે રશિયા આડુ ફાટતું હોય એમ જણાય છે તે જોતા નાટો દેશો પણ પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કરી રહયા છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિયૂટ ઓફ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીએ મ્યુનિચ ખાતેની સિકયોરિટી કોન્ફરન્સના વાર્ષિક રિપોર્ટમાં મિલિટરી બેલેન્સના જે આંકડા રજૂ થયા તે મુજબ ૨૦૧૮માં યૂરોપે ૨ ટકા જયારે ૨૦૧૯માં ૪ ટકા સંરક્ષણ બજેટ વધાર્યુ છે.

દરેક દેશ ખાનગીમાં અણું ટેકનોલોજી અને સંરક્ષણના નવા આઇડિયા અપનાવી રહયા છે. વાતો મૈત્રીની પરંતુ અંદર ખાને અદ્વષ્ય ભય સતાવી રહયો છે. કેટલાક રાજકિય નેતાઓ પોતાના રાજકિય સ્વાર્થ અને સંકૂચિત રસના કારણે આ સ્થિતિ ઉભી કરી રહયા છે. વિશ્વમાં પરમાણુ હથિયારોની જે હોડ શરુ થઇ છે તે ચરમસિમાએ છે જે ડૂમસડે કલોકના નવા સેટ સેકન્ડસ સમય પરથી જણાઇ આવે છે. આમ પણ રુઢિપ્રયોગમાં બાર વાગી જવાનો ઉલ્લેખ અંતનો સંકેત કરે છે. કયાંક આ ઘડિયાળમાં ૧૨ ના વાગી જાય તે જોવાની જવાબદારી સૌ વિશ્વ માનવીઓની એટલે કે આપણી છે.

Tags :