અમદાવાદના શાસ્ત્રીનગરમાં જાહેર શૌચાલય તોડી પાડવા મુદ્દે વિવાદ, માત્ર દંડ ફટકારાતા તંત્રની કામગીરી પર સવાલ
Ahmedabad News: અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં સરદાર પટેલ આવાસ યોજનાની બહાર મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણી બજારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં વર્ષો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું જાહેર શૌચાલય ગુરુવારે રાત્રે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યું હોવાના આરોપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટના બાદ AMCના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે નોટિસ પાઠવી માત્ર રૂ. 50,000 નો દંડ વસૂલી સંતોષ માનતા તંત્રની "વ્હાલા-દવાલા"ની નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે, જો કોઈ નાગરિક રોડ પર કચરો નાખે અથવા દુકાનની બહાર કચરો જોવા મળે, તો તેના ફોટા પાડીને તાત્કાલિક સીલ મારવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે, આખેઆખું જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા માત્ર દંડ ફટકારીને સંતોષ માનવામાં આવતા વિવાદનો મધપૂડો છેડાયો છે.
આ પણ વાંચો: રાહતના સમાચાર: સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ
તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ
નોંધનીય છે કે, આ જાહેર શૌચાલય વર્ષો અગાઉ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આસપાસ અન્ય કોઈ જાહેર શૌચાલય ન હોવાથી તે સામાન્ય જનતા માટે આશીર્વાદ સમાન હતું, ખાસ કરીને મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણી બજારના ગ્રાહકો અને વિક્રેતાઓ માટે. આ સાથે આ વિસ્તારમાં આવેલા નાસ્તા હાઉસ અને ખાણીપીણીના સ્ટોલને કારણે આડેધડ વાહનોના પાર્કિંગની સમસ્યા પણ વકરી છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગને અનેકવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
મકાન માલિકોનો દાવો અને સ્થાનિકોનો આક્ષેપ
બીજી તરફ, આ કોમ્પ્લેક્સના કેટલાક મકાન માલિકોનું કહેવું છે કે, જાહેર શૌચાલયના કારણે તેમની દુકાનોના બોર્ડ દેખાતા નહોતા અને ફૂટપાથની જગ્યા પણ ઓછી થતી હતી, જેને લઈને શૌચાલય તોડી પાડવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક રહીશોના મતે, ત્રણ દિવસની રજાનો લાભ લઈને આ શૌચાલય ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે, જે તંત્રની બેદરકારી અને શંકાસ્પદ કામગીરીનો સંકેત આપે છે. આ મામલે હવે વધુ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.