Gujarat

અમરેલીમાં શાંતાબા હોસ્પિટલ અને મેડિકલ કોલેજને બોગસ FIRE NOC ધાબડાયું

By GS TEAM
13 Sep 20252 mins read
અમરેલીમાં શાંતાબા હોસ્પિટલ અને મેડિકલ કોલેજને બોગસ FIRE NOC ધાબડાયું

RTI હેઠળ માંગેલી વિગતમાં ભાંડો ફૂટતા ચકચાર વર્ષ-2023માં ફર્જી FIRE NOC કાઢનાર ફાયર ઓફિસર સામે ગુનો દાખલ કરવા પૂર્વ સુધરાઈ સદસ્ય દ્વારા પોલીસને ફરિયાદ અરજી

અમરેલી, : અમરેલી નગરપાલિકાનાં ફાયર વિભાગમાં વર્ષ-2023 દરમિયાન બોગસ ફાયર એનઓસી આપવામાં આવ્યાનું આર.ટી.આઈ. હેઠળ માંગેલી માહિતીમાં ફલિત થયાના આક્ષેપ સાથે પૂર્વ સુધરાઈ સદસ્યએ સિટી પોલીસને લેખિત અરજી આપીને જવાબદાર ફાયર ઓફિસર વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે, એ બોગસ ફાયર એનઓસીમાં શાંતાબા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના બહુમાળી બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે. 

અમરેલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય પંકજભાઈ રોકડે અમરેલી સિટી પોલીસમાં લેખિત ફરિયાદ અરજી આપીને પુરાવા રજૂ કરતા આક્ષેપ કર્યો છે કે, અમરેલી નગરપાલિકાના ફાયર વિભાગના જવાબદાર અધિકારી દ્વારા ગેરરીતિ આચરવામાં આવ્યાનું થોડા સમય પહેલા માંગેલી આરટીઆઈ માહિતીમાં ધ્યાને આવ્યું છે. વર્ષ 2023 માં ફાયર એનઓસી મેળવવા માટે અમરેલી નગરપાલિકામાં રૂા. 300 સ્ટેમ્પ પેપર ઉપર અરજી કરવામાં આવતી હતી. 15 મીટર સુધીની ઊંચાઈ વાળા બિલ્ડીંગને જ ફાયર અધિકારી દ્વારા એનઓસી આપવાનો નિયમ હતો. એથી વધુ ઉંચા બિલ્ડીંગને ચીફ ફાયર ઓફિસર એનઓસી આપી શકે છે. 

જો કે, વર્ષ 2022-23ની સાલમાં અમરેલી નગરપાલિકાના ફાયર અધિકારી દ્વારા લાઠી રોડ પર આવેલી શાંતાબા ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજના 15 મિટરથી ઉંચા બહુમાળીને 0370 નંબરથી ફાયર એનઓસી તથા એસ.ટી. ડેપો સામે આવેલી શાંતાબા હોસ્પિટલના સાત માળના બિલ્ડિંગને 0407નંબરથી 3 વર્ષ માટેનું ફાયર એનઓસી આપવામાં આવ્યું હતું. જેમાં ફાયર અધિકારીએ તેમના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે એ તો ઠીક ફાયર એનઓસી પણ ફર્જી હોવાનો માહિતી અધિકાર હેઠળ નગરપાલિકાએ આપેલી વિગતમાં ભાંડો ફૂટયો છે. કારણ કે, બન્ને બિલ્ડિંગને નગરપાલિકા દ્વારા રજાચિઠ્ઠી જ આપવામાં આવી નથી, છતાં ફાયર એનઓસી કાઢવામાં આવ્યા છે. એટલું જ નહીં, બન્ને બિલ્ડિંગમાં સેફ એન્ડ કેર સોલ્યુશન નામની પેઢી દ્વારા ફાયર સિસ્ટમ ફિટ કરવામાં આવ્યાનો ઉલ્લેખ છે, પણ એ કંપનીએ ઈન્કાર કર્યો છે.  પરીણામે જવાબદાર ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી દ્વારા જે-તે સમયે એનઓસીની પ્રક્રિયા કરવામાં આવી હોવાથી તેમની સામે એફઆઈઆર દાખલ કરીને કાનૂની પગલા ભરવા ફરિયાદ અરજી આપીને આ દિશામાં વહેલીતકે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાઇકોર્ટનો આશરો લેવામાં આવશે.