Gujarat

રાજકોટના ઐતહાસિક શાસ્ત્રીમેદાનમાં તંત્રની ઉપેક્ષાથી શર્મનાક ગંદકી, દબાણો

By GS TEAM
21 Jul 20252 mins read
રાજકોટના ઐતહાસિક શાસ્ત્રીમેદાનમાં તંત્રની ઉપેક્ષાથી શર્મનાક ગંદકી, દબાણો

22  વર્ષ પહેલા વર્ષો સુધી જ્યાં લોકમેળા યોજીને તંત્રે કમાણી કરી : જિલ્લા કલેક્ટર તંત્ર દૂર હાઈવેના રસ્તા જોવા ગયા પણ કચેરીથી 1  કિ.મી.ના અંતરે આ મહત્વના મેદાન સામે જોવાની ફૂરસદ નથી મળી 

રાજકોટ, : એક સમયે જ્યાં રાષ્ટ્રીય નેતાઓની સભાઓ ગાજતી, રાજકોટના આઝાદીપૂર્વેના આંદોલનોનું સાક્ષી એવું સરકાર હસ્તકનું શહેર મધ્યે 23 એકર જમીનમા લાલબહાદુર શાસ્ત્રી મેદાનને કૃતઘ્ની અને કામચોર તંત્રની નજર લાગી ગઈ છે. આ એ મેદાન છે જ્યાં ઈ.સ. 2003 પહેલા કલેક્ટર કચેરી દ્વારા લોકમેળો યોજીને મોટી રકમની કમાણી કરી છે અને આ કમાણીમાંથી આ મેદાનનો વિકાસ તો દૂર, આજે ત્યાં સ્થળ મુલાકાત લેતા તે જોઈને રાજકોટને સ્વચ્છતામાં છેલ્લો ક્રમ આવે એવી અસહ્ય ગંદકી,ગેરકાયદે પાર્કિંગ અને દબાણો નજરે પડયા હતા. 

ફેન્સીંગ વોલ જર્જરિત થઈ છે, ગેઈટ તુટેલા છે અને કોઈ અંદર જે પણ નિયમભંગ કરીને મેદાનની દુર્દશા કરે તેને રોકવા-ટોકવા માટે કોઈ સક્યુરિટી કે નથી કે કલેક્ટર કચેરીના કોઈ સ્ટાફ નથી. આ મેદાનની નજીકમાં જ મહાત્મા ગાંધીજીનું નિવાસસ્થાન, ગાંધીજી ભણ્યા તે ઐતહાસિક સ્કૂલ-ગાંધી મ્યુઝિયમ અને રાજકોટ જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતું ત્યારે વિધાનસભા ગૃહ તરીકે વપરાતો મણિયાર હોલ વગેર આવેલા છે. વિશ્વના પ્રવાસી આ વિસ્તારમાં આવતા રહે છે અને અતિશય ગંદા મેદાનને જોઈને કેવી છાપ ઉપસતી હશે તેનો વિચાર પણ કરાતો નથી.  સ્થળ પર લોકોએ જણાવ્યું કે આ મેદાનની ગંદકી હમણાંની નથી, લાંબા સમયથી આ સમસ્યા છે. જિલ્લા કલેક્ટર રાજકોટ-જેતપુર હાઈવે જર્જરિત થવા સામે લોકરોષ જાગ્યા બાદ શહેરથી દૂર હાઈવે પર સ્થળ તપાસ કરવા ગયા પણ આ મેદાન કલેક્ટર કચેરીથી માંડ એકાદ કિલોમીટરના અંતરે શહેર મધ્યે આવેલ છે જેને જોઈને તેને ગંદકી-દબાણમુક્ત કરવા ફૂરસદ મળતી નથી.