શામળિયા ગામના યુવકને સગીરા પર દુષ્કર્મના કેસમાં 20 વર્ષની કેદ
- કપડવંજ સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચૂકાદો
- રૂા. 7,500 નો દંડ ફટકાર્યો : ભોગ બનનાર સગીરાને રૂપિયા 4 લાખ ચૂકવવા પણ આદેશ
કપડવંજ તાલુકાના અલવા તાબે શામળિયા ગામનો સંજય વીનુભાઈ રાઠોડ (ઉં.વ. ૨૧) ૧૭ વર્ષ ૯ મહિનાની સગીરાને તા. ૧૧/૩/૨૦૨૧ અને તા. ૧૨/૦/૨૦૨૧ની મધ્યરાત્રી વચ્ચે કપડવંજ તાલુકાના એક ગામમાંથી લલચાવી ફોસલાવી દુષ્કર્મના બદઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. સંજય રાઠોડ અમદાવાદના ગોતા ખાતે ફેક્ટરીમાં તથા બોરસદ મિત્રના ઘરે સગીરાને લઈ જઈ વારંવાર મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાના વાલીએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. કપડવંજ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી જતા તબીબી પુરાવા સહિત ૧૦થી વધુ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને મુકાયા બાદ સ્પે. જજ કે.એસ. પટેલે આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે કલમ-૩૬૩ મુજબ ગુનાહીત ઠેરવી ૪ વર્ષની સાદી કેદ, રૂા. ૨૫૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે મહિનાની કેદની સજા ફટકારી છે. અધિનિયમ-૨૦૧૨ની કલમ-૬ના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સશ્રમ કેદ અને પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો પાંચ મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. જોગવાઈ મુજબ ભોગબનનાર સગીરાને રૂા. ૪ લાખ ચૂકવવાનો પણ આદેશ કરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ- ખેડા (નડિયાદ)ને યાદી કરવા જણાવ્યું છે.