વર્ષ 2023-24 ની તુલનાએ 2024-25 માં ભાવનગરમાં SGSTની આવક 73 કરોડ ઘટી
- સતત ત્રીજા વર્ષે ભાવનગર વિભાગની આવક 2 હજાર કરોડને પાર
- વર્ષ 2023-24 માં ભાવનગર વિભાગે કરેલી રૂા. 2324 કરોડની વાર્ષિક આવક સામે ગત વર્ષે આવક ઘટીને રૂા. 2251 કરોડ નોંધાઈં
ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ કર અને દંડ પેટે સતત ત્રીજા નાણાંકીય વર્ષમાં બમ્પર આવક કરી છે. અને નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે કુલ રૂા.૨૨૫૧ કરોડનું કલેક્શન કર્યું છે. જો કે આ પૂર્વે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ આ રકમ ઓછી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૩૨૪ કરોડ હતું અને તે પહેલા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૧૧૬ કરોડ હતું. આમ, સતત ત્રીજા નાણાંકીય વર્ષે ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન બે હજાર કરોડને પાર રહ્યું છે. નાણાંકીય વર્ષ૨૦૨૩-૨૪ની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્ટેટ જીએસટીની આવકના ઘટાડા પાછળ જીએસટી વિભાગમાં જોઈન્ટ કમિશ્નરથી લઈને એસટીઆઈ સુધીના અધિકારીઓની સામૂહિક બદલી, સ્થાનિક વેપાર-ઉદ્યોગમાં મંદી અને મોટાપાયે સ્થાનાંતરને કારણભૂત માનવામાં આવી રહી છે.ભાવનગર ડિવિઝનમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સૌથી વધારે માર્ચ-૨૦૨૫માં રૂ.૨૨૮ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં રૂ.૧૩૧ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું. આમ, ગત નાણાંકીય વર્ષમાં ભાવનગરના વેપારીઓએ સતત ત્રીજા વર્ષે સરકારી તિજોરીમાં જીએસટી પેટે બે હજાર કરોડથી વધારે ટેક્સ ભર્યો છે.