લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી

દિવાળી
ટાણે જ ગંદા પાણી રસ્તા પર ફરી વળતા ગ્રાહકો સહિત વેપારીઓમાં તંત્ર સામે રોષ જોવા
મળ્યો
લખતર -
સુરેન્દ્રનગર જીલ્લામાં ભુગર્ભ ગટરની યોગ્ય કામગીરી કરવામાં ન
આવતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા
પામી છે ત્યારે લખતર શહેરની મુખ્ય બજારમાં ગંદા પાણી રોડ પર ફરી વળતા દિવાળીના ટાણે
જ ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
હાલ
એક તરફ દિવાળીના તહેવારને ધ્યાને લઈને લખતરની મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા
મળી રહી છે. ત્યારે ગ્રાહકોની ભીડ વચ્ચે લખતરની મુખ્ય બજારોમાં ગટરના ગંદા પાણી
ફરી વળ્યા છે. જેના કારણે ખરીદી અર્થે આવતા ગ્રાહકોને તો હાલાકી પડી જ રહી છે
પરંતુ વેપારીઓની પણ હાલત કફોડી બની છે. લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ૧૫
વર્ષમાં અંદાજે ૨૦ કરોડથી વધુ રકમ ભુગર્ભ ગટરની કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવી છે
પરંતુ સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચાર વૃતિને કારણે
હલકી ગુણવતાની કામગીરી કરતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ મામલે અનેક વખત
સ્થાનિક રહીશો સહિત લોકોએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા રોષ જોવા મળી
રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને પડતી હાલાકી દૂર કરી યોગ્ય કામગીરી કરવામાં
આવે તેવી માંગ ઉઠવા પામી છે.

