રળોલમાં ગટરનું પાણી રોડ પર ફરી વળ્યુ : તીવ્ર ગંધથી રહિશો પરેશાન
- મચ્છરજન્ય રોગ ફેલાવવાનો ભય
- ગટર લાઇન નાખવાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોનો આક્ષેપઃ રજૂઆત છતાં ઉકેલ નહીં
લીંબડી : લીંબડી તાલુકાના રળોલ ગામે સંઘરીયાત ફળી પરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતાં રાહદારીઓ તથા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ગટર ના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. તેમજ દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
રળોલ ગામના જાગૃત નાગરિક અબ્રાહમભાઈ ગનીભાઈ સંઘરીયાતના જણાવ્યા અનુસાર ગામના સંઘરીયાત ફળી પરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ પર ભરાયું છે. જેને કારણે સ્થાનિક રહીશો તથા રાહદારીઓને અવર જવર કરવામાં ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. થોડા સમય પહેલાં તંત્ર દ્વારા ગટર લાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા અડધાં વિસ્તારમાં ગટર બનાવી અડધા વિસ્તારમાં કામગીરી બાકી રાખીને કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે. જેથી કરીને ગટર લાઈન નાખવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આક્ષેપો કર્યા હતા. તેમજ આ બાબતે ગામના સરપંચને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સરપંચ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતુ નથી. અને ખોટા વાયદા કરવામાં આવે છે. જેને લઈને અમે લોકોએ લીંબડી તાલુકા પંચાયત ખાતે પણ રજુઆત કરવામાં આવી હતી. છતાંય સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યુ નથી. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠી છે.