Gujarat

લખતરમાં શાક માર્કેટ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું

By GS TEAM
15 Jun 20251 min read
લખતરમાં શાક માર્કેટ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું

- મચ્છરજન્ય રોગ ફેલાવવાનો ભય

- જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રોષ

સુરેન્દ્રનગર : લખતર શહેરમાં શાક માર્કેટ, રામ મહેલ મંદિર નજીક ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતાં રાહદારીઓ તથા સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ગટરના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. તેમજ દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

લખતર શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટમાં ગટરનું પાણી ઉભરાતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગટરના રોડ પર ફરી વળતાં રાહદારીઓ તથા સ્થાનિક રહીશો ગંદા પાણીમાં થઇને જવા મજબૂર થયા છે. ગટરના ગંદા પાણીના કારણે મચ્છરજન્ય ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. તેમજ દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

તેમજ શાક માર્કેટની બાજુમાં જ રામ મહેલ મંદિર આવેલ હોય મંદિરના પટાંગણમાં પણ ગટરનું ગંદુ પાણી ફરી વળતા દર્શનાર્થીઓને દર્શન કરવા ચાલીને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ મામલે સ્થાનીક વેપારીઓ સહિત રહિશોએ અનેક વખત જવાબદાર તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.