પ્રાથમિક સુવિધાઓથી નગરજનો વંચિત
સ્વભંડોળનો અભાવ અને ગટર લાઈનમાં નાખવાનો સામાન ન મળતા કામ થતું નથી : સેનેટરી ઈન્સ્પેક્ટર
ડાકોર: ડાકોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ગટર, પાણી અને રોડ સહિત પ્રાથમિક સુવિધાઓની ફરિયાદો ઉકેલાતી નથી. પરિણામે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.
ડાકોર નગરમાં આવેલા મુખ્ય રોડ સહિત અંતરિયાળ માર્ગો ઉબડખાબડ થઈ ગયા છે. ઠેર ઠેર ગંદકીના ઢગલાં ખડકાયેલા જોવા મળે છે. ત્યારે હવે રોષે ભરાયેલા નગરજનો સ્થાનિક વૉર્ડના કાઉન્સિલરોને લેખિત રજૂઆત કરી આક્રોશ ઠાલવી રહ્યા છે. ડાકોરમાં પુનિત મહારાજની ગાદી આવેલી છે તે પુનિત આશ્રમ રોડ પર છેલ્લા બે મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મંદિર સહિતની જગ્યાએ જવા લોકોને ગટરના પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે.
આ અંગે ડાકોર પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર તારક ભટ્ટે જણાવ્યું હતું કે, પાલિકામાં સ્વભંડોળ નહીં હોવાથી તેમજ જે સામાન ગટર લાઈનમાં નાખવાનો થાય છે તે મળતો ન હોવાના કારણે કામો થતા નથી.


