ધોળકાના બાલાજી વૃંદ-1 રેસીડેન્સી માં રસ્તા પર ગટરના વહેતા પાણી
રસ્તા
પર પાણી ફરી વળતા વાહન સ્લીપ થવાની બનતી ઘટના
અસહ્ય
દુર્ગંધથી લોકો ત્રસ્ત ઃ સ્થાનિકોએ ઘરના બારી-બારણાં બંધ રાખવાની નોબત
બગોદરા -
ધોળકાના મઘીયા વિસ્તારમાં આવેલી બાલાજી વૃંદ-૧ રેસીડેન્સીના
રહીશો છેલ્લા છ મહિનાથી ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાના કારણે સ્થાનિક લોકો
ત્રાસી ગયા છે. ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા હોવાના કારણે વાહનો સ્લીપ થવાથી
નાના-મોટા અકસ્માતના બનાવો બનતા રહે છે.
બાલાજી
વૃંદ-૧ રેસીડેન્સી નજીક ગટર ઉભરાતી હોવાના કારણે અસહ્ય દુર્ગંધથી સ્થાનિક લોકો
ત્રાસી ગયા છે. જાહેર રસ્તાઓમાં ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે ઘણી વખત
ટી-વ્હીલ વાહનો સ્લીપ થવાથી વાહનચાલકોને નાની-મોટી ઉજા પહોંચે છે. ગટરના પાણીની
દુર્ગંધથી સ્થાનિક નાગરિકોને પોતાના ઘરના બારી-બારણાં બંધ રાખવાની નોબત આવે છે.
ગટરના ઉભરાતા પાણીને મુદ્દે સ્થાનિકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં
સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક
મહિલાઓએ જણાવ્યું કે છેલ્લા ૬ મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે ચારેય તરફ ગંદકી
ફેલાય છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જે રોગચાળાનું
કારણ બની રહ્યો છે. લોકો બીમાર પડી રહ્યા છે. પાલિકાના અધિકારીઓની બેદરકારીથી આ સમસ્યાનો
કોઈ કાયમી ઉકેલ આવતો નથી. રહીશોએ નગરપાલિકા પાસે તાત્કાલિક આ સમસ્યાનો કાયમી નિકાલ
લાવવાની માંગ કરી છે. જો આ મુદ્દે ઝડપી કાર્યવાહી નહીં થાય તો આ વિસ્તારમાં રોગચાળો
ફાટી નીકળવાની શક્યતા છે.